જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાની સરકારની રચના પછી આતંકવાદી હુમલા વધી ગયા એ સંદર્ભમાં ઉમરના પિતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ વિચિત્ર નિવેદન આપ્યું છે. ડો. ફારૂકે કાશ્મીરમાં વધેલા આતંકવાદી હુમલા માટે ભારત સરકારની એજન્સીઓ જવાબદાર હોવાનો આક્ષેપ કરીને સવાલ કર્યો છે કે, કોઈ એજન્સી તો આ હુમલા નથી કરાવી રહી ને ? ફારૂકે કહ્યું છે કે, મને શંકા છે કે આ હુમલો એવા લોકો દ્વારા કરવામાં આવી છે જેઓ આ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, બાકી આ બધું પહેલા કેમ નહોતું બનતું? ફારૂકના કહેવા પ્રમાણે, કેટલીક એજન્સી ઓમર અબ્દલ્લાની તાજેતરમાં ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માગે છે તેથી આતંકવાદી હુમલાની ઘટનાઓ વધી છે. ફારૂકે પોતે ફોડ પાડીને કઈ એજન્સીની વાત કરી રહ્યા છે એ કહ્યું પણ ફારૂકની માનસિકતા જોતાં સ્પષ્ટ છે, તેમણે ભારતીય સુરક્ષા એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે.
ફારૂકના નિવેદન સામે ભાજપે સ્વાભાવિક રીતે જ વાંધો ઉઠાવ્યો છે. ભાજપે કહ્યું કે, ફારુક અબ્દુલ્લા પાસે કોઈ પુરાવા કે માહિતી હોય તો કેન્દ્ર સરકારને આ પુરાવા આપવા જોઈએ, બાકી હવામાં ગોળીબાર કરીને ફેંકાફેંક ના કરવી ફારૂકે બડગામમાં બે બિન કાશ્મીરી કામદારોની હત્યા પછી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સામે આંગળ ચીંધી છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ફારૂકના આક્ષેપોને બકવાસ ગણાવીને કહ્યું છે કે, બડગામમાં કામદારોની હત્યા સુરક્ષામાં ક્ષતિને કારણે નહીં પણ સ્થાનિક લોકો ફૂટેલા છે તેના કારણે થઈ છે. ફારૂક અબ્દુલ્લાનું નિવેદન વાહિયાત છે કહેવાની જરૂર નથી. જમ્મુ અને કાશ્મીરમાં સમસ્યાઓ નથી એવું સાવ જૂઠાણું ના ચલાવી શકાય પણ આતંકવાદીઓ સાવ બેફામ નથી તેનું કારણ ભારત સરકારની એજન્સીઓ અને લશ્કર છે, બાકી પાકિસ્તાન અને તેના પીઠ્ઠુ આતંકવાદીઓ તો કાશ્મીરને ભડકે બાળવા માગે છે. લશ્કર ના હોય તો કાશ્મીરની પ્રજાનું જીવવું હરામ થઈ જાય જોતાં લશ્કર કે ભારતીય એજન્સીઓ સામે આંગળી ના ચીંધી શકાય. ફારૂક સહિતના લોકોના પોતાના રાજકીય એજન્ડા છે એટલે એ લોકો આવી વાતો કરે છે પણ આ વાતોમાં દમ નથી.
આ પ્રકારની વાતો કરીને ફારૂક પોકતાની માનસિકતા છતી કરી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સમાં લોકોએ વિશ્ર્વાસ મૂકીને સ2ત્તા સોંપી છે ત્યારે શાંતિ સ્થાપવા માટે એને આતંકવાદને ખતમ કરીને લોકોનાં જીવનને બહેતર બનાવવા માટે મથવાના બદલે ફારૂક રાજકીય આક્ષેપબાજી કરે એ શરમજનક કહેવાય. ફારૂકે પોતાના દીકરા ઉમરને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવાની સલાહ આપવી જોઈએ પણ તેના બદલે એ વાહિયાત નિવેદનો કરીને પલિતો ચાંપી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર અત્યારે તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. લોકસભા અને પછી વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લઈને કાશ્મીરની પ્રજાએ કાશ્મીરને ભારતથી અલગ કરવા મથતાં પરિબળોના મોં પર જોરદાર તમાચો માર્યો છે. આ તમાચાથી બઘવાયેલા પાકિસ્તાને કાશ્મીરમાં બધું બરાબર નથી એ સાબિત કરવા હુમલા શરૂ કરાવ્યા છે એ દેખીતી વાત છે. આ માહોલમાં કાશ્મીર અને સરકારે સાથે મળીને આતંકવાદીઓ અને પાકિસ્તાન બંનેને જવાબ આપવો જરૂરી છે. તેના બદલે ફારૂક ભારતીય એજન્સીઓ પર દોષારોપણ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી જ નથી રહ્યા પણ આડકતરી રીતે પાકિસ્તાનને મદદ પણ કરી રહ્યા છે.
કાશ્મીરમાં ગયા મહિને નવી સરકારની રચના પછી આતંકવાદી હુમલા વધ્યા છે એ હકીકત છે. બડગામમાં હુમલો ચૂંટણી પછીનો કાશ્મીરમાં થયેલો પાંચમો આતંકવાદી હુમલો છે. આ પહેલાં 20 ઓક્ટોબરે ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં આતંકવાદીઓએ 7 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી અને તેમાં એક સ્થાનિક ડોક્ટર હતા જ્યારે બાકીના 6 બહારના કામદારો હતા. ડોક્ટરની ઓળખ શાહનવાઝ અહેમદ તરીકે થઈ હતી. આ પહેલા 16 ઓક્ટોબરે આતંકીઓએ એક બિન-સ્થાનિક યુવકની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ ગુલમર્ગમાં પણ બે પ્રવાસીને ઠાર માર્યા હતા. 24 ઓક્ટોબરે બે સૈનિકો અને બે આર્મી પોર્ટર્સ આતંકવાદી હુમલામાં મરાયા હતા.
આ હુમલા વાસ્તવમાં પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનોની હતાશા દર્શાવી રહ્યા છે પણ આપણે હતાશાના બહાને કાશ્મીરનાં લોકોને આતંકવાદીઓ કે પાકિસ્તાનની દયા ના છોડી શકીએ. આ હુમલાઓને રોકવા માટે ભારત સરકારે કાશ્મીર સરકાર સાથે મળીને સ્ટ્રેટેજી બનાવવી જોઈએ કેમ કે કાશ્મીરની સરકારને પણ જનાદેશ મળેલો છે. આ સમસ્યાનું સમાધાન જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપીને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારને સોંપી દેવાની છે. રાજ્ય સરકારને કેન્દ્ર સંપૂર્ણ સાથ આપે બંને મળીને આતંકવાદ સામે લડે એ શ્રેષ્ઠ રસ્તો છે.
અત્યારે જે સ્થિતિ છે તેમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના ભરોસે છે. કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી લેફ્ટનન્ટ ગવર્નરની છે પણ એ સાવ નિષ્ફળ ગયા છે એ જોતાં સૌથી પહેલાં તેમને ખસેડવા જોઈએ. આદર્શ સ્થિતિ તો એ કે, લેફ્ટનન્ટ ગવર્નરે આતંકવાદી હુમલાની જવાબદારી લેવી જોઈએ અને ખસી જવું જોઈએ કેમ સિંહા છેલ્લાં પાંચ વર્ષમાં કાશ્મીરની સ્થિતિમાં કોઈ સુધારો લાવી શક્યા નથી. આવા સાવ નિષ્ફળ શાસકના ભરોસે કાશ્મીરની પ્રજાને છોડી ના શકાય. આ સંજોગોમાં મોદી સરકારે તેમને બદલવા જ જોઈએ ને કોઈ સક્ષમ માણસને લેફ્ટનન્ટ ગવર્નર બનાવવા કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે ત્યાં સુધી સિંહાના ભરોસે લોકોને છોડીને મરવા ના દેવાય.
કાશ્મીરની સુરક્ષાના મામલે બીજા પણ સવાલો છે. દરેક વાર હુમલા પછી પાકિસ્તાન પર દોષારોપણ કરીને હાથ ખંખેરી દેવાય છે પણ સવાલ એ છે કે, પાકિસ્તાનથી આતંકવાદીઓ આવી રહ્યા છે તો ઈન્ડિયન આર્મી તેમને કેમ રોકતી ને આર્મી રોકતી નથી તો મોદી સરકાર શું કરી રહી છે? આતંકવાદીઓને રોકવા અને ઠેકાણે પાડી દેવાની જવાબદારી સરકારની છે પણ એવું થતું નથી. તેનો મતલબ એ થયો કે, આ મોદી સરકારની નિષ્ફળતા કહેવાય કે, આતંકવાદીઓને રોકવામાં સક્ષમ નથી. મોદી સરકારે આ સ્થિતિ બદલવા પણ કમર કસવી જોઈએ, આકરા પડે. આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કહ્યા કરે છે કે, અગાઉની સરખામણીમાં આતંકવાદી હુમલામાં ઘટાડો થયો છે. અમારા સૈનિકો સતર્ક છે અને ટૂંક સમયમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો ખાતમો થઈ જશે.