Homeઅમરેલીભારતમાં હવે તબક્કાવાર કોર્પોરેટ કૃષિ કંપનીઓનું સામ્રાજ્ય પૂરબહારમાં વધ્યું છે ને વધતું...

ભારતમાં હવે તબક્કાવાર કોર્પોરેટ કૃષિ કંપનીઓનું સામ્રાજ્ય પૂરબહારમાં વધ્યું છે ને વધતું જ જાશે

Published on

spot_img

છેલ્લા જે બે ત્રિમાસિક પરિણામો આવ્યા એણે કૃષિ અને મૂલ્યવર્ધિત કૃષિ પેદાશો માટે આશાવંત ચિત્ર રજૂ કર્યું છે. ભારતમાં કૃષિ પેદાશો સંબંધિત કોર્પોરેટ કંપનીઓમાં એકાએક વધારો થયો છે અને એમાંની અનેક કંપનીઓ હવે આંતરરાષ્ટ્રીય લિન્કેજ ધરાવતી થઈ છે. દેશમાં નવા નાણાંકીય વર્ષનો પ્રારંભ થયો એને સમય વીતી ગયો છે અને આ સમયગાળામાં ગંગા-યમુનામાં ઘણા પાણી વહી ગયા છે. વાસંતિક ફૂલોના રંગની જેમ અર્થતંત્રના અનેક રંગ આ વરસે પ્રજાએ જોવાના છે. ભારત અત્યારે સમય અને સંયોગોના એક એવા ત્રિભેટે આવીને ઊભેલો દેશ છે કે જેની સામે રાષ્ટ્રીય જીવનના અનેક ક્ષેત્રોમાં અનેક પડકારો ઊભા છે. ગમે તેવું નેતૃત્વ હોય તો પણ આ પડકારોને પહોંચી વળવાનું કામ આસાન નથી. આફ્રિકન દેશો સહિતના અનેક દરિદ્ર રાષ્ટ્રો ભીષણ મંદીમાં મદદ માટે ભારત તરફ મીટ માંડીને બેઠા છે.
ઘરના છોકરાઓએ ઘંટી ચાટવી ન પડે એ માટે સરકાર પારકાને આટો આપવામાં સ્વાભાવિક વિલંબ કરી રહી છે. તોય આજ સુધીમાં લાખો ટન અનાજ નિકાસ થયા છે ને ભેટ પણ અપાયા છે. ટૂંકાગાળાના આ ખેલનો ઈતિહાસ બહુ લાંબો છે. કેન્દ્ર સરકારે ચોખાની કેટલીક જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો એનું મુખ્ય કારણ આ વરસનું અનિયત ચોમાસુ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ શબ્દ સાંભળતા જ લોકો થરથર ધ્રૂજવા લાગે છે એવો એમનો આ વખતનો અનુભવ છે. સરકાર પીડિતોને મદદ કરે છે પરંતુ આખી દુનિયા ફરી વસાવવી પડે એટલે શું એ પ્રલયનો ભોગ બનેલા લોકોને પૂછો તો ખબર પડે. જરૂરિયાતની સામે ચાલુ વરસે અનાજ-કઠોળ ઉત્પાદન બહુ જ ઓછું આવવાનું છે. હવે આ ચોમાસાની વિદાય પછી મોડી પડેલી રવિ મોસમ પર ઘણો આધાર છે. પાછલી મોસમની ઘટને કારણે જીરુ, ડુંગળી, તેલીબિયાંના ભાવ આ શિયાળે પ્રજાને વ્યાકુળ કરશે.
હવામાનમાં ફેરફારોને કારણે વરસાદનો છેલ્લો રાઉન્ડ ઘટાદાર વાદળો અને વર્ષાથી છવાયેલો હતો પરંતુ જે ખેતરો ધોવાઈ ગયા છે એમને ગંભીર નુકસાન થયું છે. દેશમાં ખરીફ પાક સારો હોય તો જ એને અનુસરીને રવિપાક પણ સારો થાય છે. એટલે ચાલુ નાણાકીય વર્ષ કૃષિ ક્ષેત્ર માટે ફળદાયી તો રહેવાનું છે પરંતુ એના પરિણામે જ બજારમાં રૂપિયો ફરતો થવાનો છે અને અન્ય ઔદ્યોગિક સહિતના ક્ષેત્રમાં પણ આ વર્ષે તેજીની અસર દેખાવાની છે. એ તેજીની અત્યારે ખરેખર શરૂઆત થઈ ગઈ છે. દુનિયાભરમાં મંદીના સન્નાટા બોલતા હોય ત્યારે ભારતીય અર્થતંત્ર તેજીના હવામાનને લઈ આવે તે એશિયાના વિવિધ દેશો માટે આશ્ચર્યજનક છે. ચીનથી પાછા ફરી રહેલા અનેક રોકાણકારો પોતાના ભંડોળ સાથે હવે ભારતમાં અવતરણ કરવા લાગ્યા છે. નવાઈની વાત એ છે કે આગંતુક વિદેશી રોકાણકારોને ભારતીય ઉદ્યોગોમાં હવે કૃષિ સંબંધિત ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વધુ રસ પડે છે. આ એક શુભ ચિહ્ન છે.
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે હવે શરૂ થઈ રહેલી રવિ મોસમ માટે 10.5 ટકાનો વિકાસ અંદાજ મૂક્યો છે. જો કે પહેલી નજરે મુશ્કેલ લાગે છે, પરંતુ ઈ. સ. 2023 – 2024 ના બેકલોગને સરભર કરવા માટે ઉદ્યોગો અને સેવાઓ જે રીતે કામે લાગેલા દેખાય છે, એ જોતાં એ સાવ અસંભવ નથી. મિસ્ટર શક્તિકાન્તે અગાઉ પણ કહ્યું જ હતું કે ભારતીય અર્થતંત્રની ગાડી હવે પાટે ચડી ગઈ છે અને સુધારાવાદી અભિગમ દ્વારા અર્થતંત્રમાં ચડતી કળાનો ચંદ્ર દેખાય છે. દેશમાં સરકાર સતત ગુલાબી ચિત્ર રજૂ કરવા ચાહે છે પરંતુ નાના પરિવારોના પર્સ-પાકિટ વધુ નાના અને ખાલી થઈ ગયા છે. અર્થતંત્ર જ્યારે કટોકટીના ભેડાઘાટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે કુદરતી કૃપા સરીખો વરસાદ જો સકારાત્મક રહે તો કૃષિ ક્ષેત્રની મદદથી અર્થતંત્ર વધુ ગતિવાન બને. કેન્દ્ર સરકારે દેશના અધિક ડેન્ગ્યુ સંક્રમિત 12 રાજ્યો સાથે ઉચ્ચસ્તરની એક મિટિંગ યોજીને સખત પગલાં લેવાનો અનુરોધ કર્યો છે. ચીનમાં હવે ઝેરી તાવના રોગચાળાની સ્થિતિ ગંભીર છે. એનો લાભ ભારતને મળે છે.
સ્ટાર્ટ અપનો પ્લાન લગભગ બધા જ સેક્ટરમાં નિષ્ફળતાને જઈ વર્યો છે. આરંભે શૂરા જેવો ઘાટ ધરાવતા સ્ટાર્ટ અપ ઇન્ડિયા પ્રોજેકટનું બાળમરણ થયું એવું કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. ઈ. સ. 2015 માં બધા જ ભારતીય સ્ટાર્ટ અપ પ્રોજેકટે દેશવિદેશમાંથી સાડા સાત અબજ ડોલરનું ફન્ડિંગ ભેગું કર્યું હતું જે એના પછીના વર્ષે એટલે કે 2016 માં ઘટીને સાડા ત્રણ અબજ ડોલર થઈ ગયેલું. ઈ. સ. 2016 ની નોટબંધીએ તો અડધોઅડધ સ્ટાર્ટઅપની બુનિયાદ તોડી નાંખી હતી. શરૂઆતના તબક્કામાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેકટને કારણે પાંચ લાખ યુવાઓને પ્રત્યક્ષ અને પંદર લાખ કરતા વધુ યુવાનોને પરોક્ષ રોજગારી મળી હતી. છેલ્લા સાતેક વર્ષમાં જ દસમાંથી નવ સ્ટાર્ટ અપને તાળું લાગી ગયું છે. એકાદ સ્ટાર્ટઅપ કંપની મરવાના વાંકે જીવતી હતી તો તેનો દમ લોકડાઉનમાં તૂટી ગયો. કોરોના વાયરસે લોકોના જીવનના ભોગ લીધા પણ લોકડાઉનને કારણે કરોડો આંખોમાં અંજાયેલા સપનાનું ગળું પણ દબાઈ ગયું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે ભૂતકાળ છે. અલબત્ત, સ્ટાર્ટઅપ સેકટરમાં અપવાદો હશે અને તે પણ નોંધપાત્ર સંખ્યામાં. પરંતુ જે સ્તર ઉપર તેની સ્વપ્નીલ શરૂઆત કરવામાં આવી હતી તે અત્યારે સદંતર ગાયબ છે.

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...