પ્રકૃતિ વન્ય સંપદા અને વન્ય જીવસૃષ્ટિ સ્વરૂપે પુરબહારમાં ખિલે છે. ગુજરાતની ઓળખ બની ગયેલા જંગલ તરીકે ગીરની પ્રતિષ્ઠા છે. સિંહના વિખ્યાત અભયારણ્ય એવા ગીરમાં આજકાલ જંગલનો કાયદો પ્રવર્તી રહ્યો છે. જંગલના કાયદાનો અર્થ છે કે અહીં કોઈ કાયદો જ નથી.
એક જમાનો હતો જ્યારે અહીંના નેસડાઓના માલધારીઓ સમગ્ર ગીર પંથકના સ્વામી હતા. તેઓ સિંહને સન્માનથી જોતા. કેન્દ્ર સરકારે અભયારણ્યમાંથી એ માલધારીઓની ઉત્થાપના કરી ત્યારથી સિંહનું ગૌરવ જાળવવામાં કોઈને રસ નથી. ઇ.સ. 1900ના અરસામાં રાજાઓના શિકાર શોખને કારણે આ એશિયાઈ સિંહની વસ્તી માત્ર 15 રહી હતી.
ત્યારે જૂનાગઢના નવાબે સિંહના શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આજે ગીરના સિંહની સંખ્યા ઈ.સ. 2015ની ગણતરી પ્રમાણે 523 જેટલી છે. સિંહદર્શન પાછળ છેલ્લા બે-ત્રણ વરસથી પ્રવાસીઓ એટલા ઘેલા થયા છે કે તેઓ અહીં જંગલમાં આવે એટલે કોઈ પણ રીતે સિંહને નજરોનજર જોવાનો લ્હાવો લેવા ચાહે છે. પ્રવાસીઓની આ દર્શન લાલસાને રોકડમાં રૂપાંતરિત કરી લેવા માટે અહીં નવા લાયન ગેંગસ્ટરો અસ્તિત્વમાં આવ્યા છે.
આ લાયન ગેંગસ્ટરોને ઝડપવા બહુ આસાન છે પરંતુ તેમની પહોંચ જંગલ અને જંગલ ખાતાના અધિકારીઓ એમ બન્ને તરફ છે. તેઓએ સરકારના સિંહ દર્શનના સત્તાવાર કાર્યક્રમને સમાંતર સિંહ જોઈ લેવા માટેના અસંખ્ય ગેરકાયદે માંચડાઓ બાંધી લીધા છે. તેઓ મન ફાવે તેવી રીતે પ્રવાસીઓના નાણાં ખંખેરી લે છે. સિંહ એક શાલીન પ્રાણી છે. એનું સ્વરૂપ રાજસ્વીતાની આભા અને ઓજસથી ભરપુર છે.
જિંદગીનો એ એક દિલધડક અને રોમાંચક અનુભવ હોય છે જ્યારે સિંહનો સાક્ષાત્કાર થાય. લોકરસિકતાનો આ જુવાળ રાજ્ય સરકારના ફાયદામાં નથી, એનો સીધો જ ફાયદો લાયન ગેંગસ્ટરો લઇ લે છે. સ્થાનિક પોલીસનો એ દરજ્જો નથી કે તેઓ આ ગુનાઇત પરિબળો સાથે બાથ ભીડે. હાલની વધી ગયેલી ઉપદ્રવી પ્રવૃત્તિને નાથવા માટે અહીં એક સાથે ચાર-પાંચ આઈપીએસ અધિકારીઓની તેમની નવી ટીમ સાથે જરૂર છે. જો આમ નહિ કરવામાં આવે તો માનવજાતિનું એશિયાઈ સિંહ પરનું આ એક પ્રકારનું ત્રાસદાયક આક્રમણ સિંહની વસ્તીના આંકડાઓને નીચે લાવી દેશે.
અન્ય પણ અનેક કારણો છે કે જેનાથી ગીરના સિંહ હવે ગીરમાં દુ:ખી છે. તેમણે ગીર છોડીને અન્યત્ર નિરાંત શોધવાની શરૂઆત કરી છે. 1412 ચોરસ કિલોમીટરના આ નેશનલ પાર્ક વત્તા અભયારણ્યમાં હવે સિંહનું મન માનતું નથી. સિંહની અગવડ તરફ રાજ્ય કે કેન્દ્ર સરકારનું ધ્યાન નથી. શું સિંહનું જીવન પ્રજારંજન માટે છે ? આઝાદી પહેલાના વરસોમાં ડાંગમાં અનેક વાઘ હતા. આજે ત્યાં અવશેષ પણ નથી. સરકારે સિંહ માટે અભય વરદાન આપ્યું છે કે ચારે બાજુ પથરાઈ ગયેલા હોટેલ-રિસોર્ટ ઉદ્યોગ માટે ? ગીરમાં ખરેખર નિર્ભય તો પેલા ગેરકાયદે સિંહ દર્શન કરાવતા લાયન ગેંગસ્ટરો છે.
સિંહ દંપતી, સિંહબાળ અને એમ તમામ સિંહ પરિવાર અત્યારે ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. ગેરકાયદે સિંહદર્શન કરાવતા ગેંગસ્ટરો સિંહને અંતરિયાળ વિસ્તારમાંથી બહાર લાવવા માટે પથ્થરો મારીને ખાસ દિશા તરફ નેવિગેટ કરે ત્યારે સિંહની હાલત એટલી ગૌરવહીન થઇ જય છે કે વન્યપ્રેમીઓ ધ્રુજી ઉઠે. ગેરકાયદે સિંહ દર્શનના સ્પોટ અને એનો મધ્યરાત્રિ પછીનો નકશો પણ તૈયાર હોય છે.
સિંહને અન્ય પશુઓ સાથે હવે નીલગાય ઉપરાંત હોલા, કબુતર અને કુકડા પણ હાથોહાથ આપીને ગેરકાયદે આકર્ષવામાં આવે છે. ગીરના જંગલને પણ ભ્રષ્ટાચારે ભરડો લીધો છે.
મધ્યપ્રદેશમાં જે પાલપુર-કુણો વન્યજીવન અભ્યારણ્યમાં ગુજરાતના એશિયાઈ સિંહને વસાવવા માટે લઇ જવાની દરખાસ્ત છે તેનો ગુજરાત સરકારે વિરોધ કરતાં એ દરખાસ્ત હવે તો ઠરી ગઈ છે. છતાં એ વિવાદનો એક કેસ હજુ સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે.
મધ્યપ્રદેશનો પાલપુર એ વિસ્તાર છે જ્યાં ગીર જેટલા જ સિંહની વસ્તી હતી, જે આસપાસના લોકોના અતિક્રમણથી નામશેષ થઇ ગઈ. મધ્યપ્રદેશમાં એશિયાઈ સિંહ છેલ્લે ઇ.સ. 1873માં જોવા મળ્યા હતા એ ઇતિહાસનું પૂંછડું પકડીને મધ્ય પ્રદેશ સરકારે સિંહ પરિવારોની ડિમાન્ડ તૈયાર કરેલી છે. સિંહને રંજાડવાના અનેક વીડિયો વાયરલ છે.
આ ગ્રીષ્મ તુમાં સિંહ માટે રાત્રિજીવન જ મુખ્ય હોય છે. નદીની ભીની રેતમાં બેસીને વગડાના પવનમાં એ પોતાની મોજમાં હોય છે. દિવસભર ગ્રીષ્મના તડકામાં સિંહ હાંફે છે. રાત્રે શિકારની ફાવટ એશિયાઈ સિંહને વિશેષ છે. સિંહના આ સુખસમયને હવે અસામાજિક તત્ત્વોનું ગ્રહણ લાગી ગયું છે. ક્યારેક સરકાર છુટક અપરાધીઓને પકડે છેપણ પછી એમને મુક્ત કરી દે છે.
ખુલ્લા કુવા, રેલવે ટ્રેક તો સમગ્ર ગીરના જંગલમાં મોતના પડછાયાની જેમ પથરાયેલા છે. સિંહ હજુ માલધારીઓનો અવાજ ઓળખે છે અને આ માલધારીઓ હંમેશા સિંહથી નિર્દોષ નાગરિકોને બચાવી લે છે. પરંતુ જ્યારે એ જૂની પેઢી પણ ખસી જશે ત્યારે ગેરકાયદે અને અસલામત સિંહદર્શન જ યમદર્શન બની જવાની દહેશત રહે છે.