Homeઅમરેલીઅસલ શિયાળાને કેટલી વાર? સૌરાષ્ટ્રમાં હજુ પણ રવિમોસમને ઠંડા પવનોની પ્રતીક્ષા રહે...

અસલ શિયાળાને કેટલી વાર? સૌરાષ્ટ્રમાં હજુ પણ રવિમોસમને ઠંડા પવનોની પ્રતીક્ષા રહે છે

Published on

spot_img

નવા વરસના આરંભ પછી હવે ભારે ઠંડીનો એક રાઉન્ડ આવવો જોઈએ પરંતુ હજુ વાતાવરણમાંથી ઉષ્ણતામાન ઓછું થયું નથી. શિયાળો પતંગ ઉડાડીને નહિ પણ હોળીનું તાપણું તાપીને પછી જાય છે. એના પછી શિયાળો થોડા દિવસનો મહેમાન હોય, પછી શિયાળો વિદાય લે અને વસંત તુ આવે. હજુ ઠંડીના રાઉન્ડ શરૂ થવાને થોડી વાર છે. સવારમાં અદૃશ્ય ઝાકળવર્ષા થવા લાગી છે. ધૂળેટી પછી શિયાળો ખુદ ઠંડો પડી જવાનો હોય. એટલે બહુ શરૂઆતમાં ઠંડીની મોસમમાં જે ખુશનુમા વાતાવરણ હોય તે ફરી પાછું આવે. શિયાળાની મોસમમાં વહેલી સવારે ઊઠીને ખુલ્લા આકાશ તળે સ્વૈરવિહાર કરવાનો લ્હાવો લેવા જેવો હોય છે. જેઓ ચૂકી ગયા હોય તેમને માટે હવેના દિવસોનો શીતકાળ બાકી છે. વહેલી સવારે ગામના પાદરે કે શહેરની બહાર ક્ષિતિજ સુધી નજર નાંખો તો એનો અનુભવ જુદો છે. ક્ષિતિજો દેખાતી હોય એવા વિસ્તારોમાં પરિભ્રમણ કરવું એ પણ એક લ્હાવો છે.
સૂર્યના કિરણો પૂર્વના ઊંચા આકાશમાં ઉદયમાન થાય અને ક્ષિતિજને પેલે પાર ઊંડેથી સૂર્યનારાયણના પડઘા સંભળાય એ સમયે શય્યા અને ગૃહનો ત્યાગ કરવો જોઈએ. એ સમયે આંખને પહોંચવું હોય ત્યાં સુધી પહોંચી શકતી નથી. નજર તો સલામત હોય છે. પરંતુ ધારે એવું કંઈ જોઈ શકતી નથી કારણ કે આકાશમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું હોય છે. ધુમ્મસ માણવા જેવું વાતાવરણ છે. ધુમ્મસ વહેલી સવારની થોડા સમય માટેની એક સ્વતંત્ર મોસમ છે. ધુમ્મસ નજીકમાં દેખાતું નથી પણ જે દૂર હોય એને નજીક દેખાવા દેતું નથી. ધુમ્મસ હોય છે તો આંખોમાં પરંતુ તેનું પ્રભુત્વ વાતાવરણ પર એવું છે કે રસ્તા પર આવનારો વળાંક એ આપણી આંખ સુધી પહોંચવા દેતું નથી.એટલે કે જે પથ પર આપણે પ્રવાસ કરીએ છીએ એનો હવે પછી જે વળાંક અને આપણી આંખ વચ્ચે ધુમ્મસ પડદો બની જાય છે. એટલે ધુમ્મસ જ આપણી અજ્ઞાનતા બની જાય છે. વહેલી સવારનું ધુમ્મસ તો સૂરજ ઊંચે ચડે ત્યાં સુધી ટકે છે અને પછી વિખેરાઈ જાય છે. પરંતુ જિંદગીમાં ધુમ્મસ એમ ઝડપથી વિખરાતું નથી. આપણી જિંદગી પણ શિયાળાની વહેલી સવાર જેવી જ છે. આવતીકાલને થોડા કોઈ જોઈ શકે છે કે જિંદગીના હવે પછીના વળાંક કેવા છે ને ત્યાં કોઇ જાણે છે કે હવે પછી શું ? યુદ્ધ, રોગચાળાઓ, હૃદય પરના હુમલાઓ, આર્થિક સંઘર્ષ અને અનિશ્ચિત વર્તમાન વચ્ચે કોણ કહી શકે કે કાલ કેવી છે? દરેક મનુષ્યની વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જિંદગીમાં એક ધુમ્મસ તો હોઈ શકે છે. ધુમ્મસ એટલે ભવિષ્ય વિશે અજ્ઞાનતા અને એ તો દરેક મનુષ્ય પર છવાયેલી છે. તો પણ કોઈ કુશળ વાહનચાલક ગાઢ ધુમ્મસમાં પણ અકસ્માત ન થાય તે રીતે પોતાની ગતિ શરૂ રાખે છે. એ જ રીતે આપણી જિંદગીને પણ આપણે ધુમ્મસ હોવા છતાં સતત પ્રગતિ માટે આગળ ધપાવવાનું કામ ચાલુ રાખવાનું છે. કારણ કે જિંદગીમાં આપણી તપશ્ચર્યા, પરિશ્રમ અને પુરુષાર્થનું તેજ જેમ જેમ વધતું જાય તેમ તેમ ધુમ્મસ વિખરાતું જાય છે.
શીતકાલીન રાત્રિઓનું સૌન્દર્યવિધાન કેવું છે ? આપણી ગીર કાંઠાની નદીઓના વહેતા જળના અવાજ સાથે કાંઠાળ વૃક્ષરાજિમાંથી વહી આવતા સૂસવાટાઓ ભળે, કુદરતના ધ્વનિઓ હળેમળે ને જે સિમ્ફની રચાય એ જ અસલ ધ્યાન છે. શિયાળામાં ચડતી કળાનો ચન્દ્ર હોય ત્યારે ચકોર સિવાયના પંખીઓ પણ ચકોર બની જાય. ઠંડીથી બચવા ઘનઘોર ડાળી વચ્ચે પંખીઓ રાત પસાર કરે તો આભમાં ઊંચો ચન્દ્ર એને ન દેખાય. ચન્દ્ર અલપઝલપ દેખાય. શીતકાળમાં પંખીઓની ચન્દ્રપ્રીતિ વધે કારણ કે એને એવો ભ્રમ રહે કે અહીં પણ સૂર્ય જેવી ઉષ્ણતા મળશે. કારણ કે ચન્દ્ર અને સૂર્ય હોય છે તો એ જ એક આભના આસને. એ ભ્રમમાં જ પંખીઓની રાત પસાર થાય ને ત્યાં તો ખરેખર જ સૂરજ આવી પણ જાય. ભ્રમ જ એ પંખીઓને સત્ય સુધી પહોંચવાની વેળા આવે ત્યાં સુધી ટકાવી રાખે.
આપણે જેને આપણી ગણતરી, અનુમાન, આયોજન કે કલ્પના કહીએ તે પણ ક્યારેક ઝાંઝવા હોય છે. એ પણ ધુમ્મસનું જ એક રૂપ કહેવાય. જો એ ઝાંઝવા કુદરતી હોય તો જળ સુધી પહોંચી જવાય છે. પણ એ ઝાંઝવા માણસજાતે બનાવેલા હોય તો નક્કી નથી કે એ જળમાં પરિણત થશે કે નહિ. શિયાળાની રાત પસાર કરવામાં પંખીના શરીરને પોતાની જ પિચ્છસમૃદ્ધિ રજાઈ જેવી કામમાં આવે છે પણ એના જીવાત્માને કામમાં આવે છે આશા. થોડી રાત્રિઓ તો સાવ અંધારઘેરી હોય. પંખી ન હલે કે ન ચલે. જે જ્યાં છે ત્યાં સ્તબ્ધ થઈ જાય. જાણે કે ડૂબતા સૂરજે એમને ’ઈસ્ટોપ’ ન કહ્યું હોય ! મનુષ્ય કુદરતી અને કૃત્રિમ એવા બે પ્રકારના ઝાંઝવામાં ફસાયેલો દેખાય છે. સૌને પોતપોતાના ઝાંઝવાની જંઝાળ વળગેલી છે તે એમાં કોણ કોને બહાર લાવે. આ સંયોગોમાં એવું જો કોઈ મળી જાય કે જેને પોતાને કોઈ જાળ, ઝંઝા કે ઝાંઝવા વળગેલા ન હોય તો એ આપણને ઉગારી શકે. એવો કોઈ સત્પુરષ કે સન્નારી આ જગતમાં જડવા સહેલા નથી. જ્યાં સુધી ખરા માર્ગનું દર્શન કરાવનાર ન મળે ત્યાં સુધી કોઈ તરસ, છેવટની તૃપ્તિ સુધી પહોંચતી નથી અને એ જ આ સંસારની સૌથી મોટી વિષમતા છે.

Latest articles

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

અમરેલી સ્પેશ્યિલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને 14 વર્ષની સખ્ત કેદ : 30 હજારનો દંડ

અમરેલી, લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે 2023માં સુરેશભાઇ અરજણભાઇ જાસોલીયાનો ભાણેજ મુકેશ નરેશભાઇ ગોહિલ જોવા ન...

Latest News

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...