કિરગિઝ પ્રજાને રાતોરાત ભારતીય મેડિકલવિદ્યાર્થીઓ કેમ બહુ અણગમતા થઈ ગયા?

કિરગિઝ પ્રજાને રાતોરાત ભારતીય મેડિકલવિદ્યાર્થીઓ કેમ બહુ અણગમતા થઈ ગયા?

કિર્ગિઝ લોકો એ અકળાયા છે કે ભારતીયો ને પાકિસ્તાનીઓ અહી આવીને તેમનો રોજગાર છીનવી લે છે. એમાં એ લોકો ખોટા નહી હોય. કલ્ચરલ એક્સચેન્જના ખુશનુમા ખ્યાલો કરતા જનીની વાસ્તવિકતા અલગ હોય છે, ખાસ કરીને એ જમીન જ્યારે વિદેશની ધરતી હોય. હવે તો ત્યાં પરિસ્થિતિ થાળે પડી ગઈ છે એવું મીડિયા કહે છે. મેડિકલ યુનિવર્સિટીએ ડરના માર્યા ભારત પરત ફરી ગયેલા વિદ્યાર્થીઓને તરત પાછા ન આવવા અને અહીથી જ ઓનલાઇન ક્લાસ લેવાની સગવડ કરી આપી છે. (આ જ હકીકત દર્શાવે છે કે ત્યાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં નહી આવી હોય.) જયશંકર સાહેબ પણ ટ્વીટ કરીને બધાને ધરપત આપી રહ્યા છે. કિર્ગિસ્તાનમાં એકંદરે સ્થિતિ થઈ ગઈ છે એવું તો કહી શકાય. પણ આવું બીજી વખત નહી થાય તેની ગેરંટી કોણ લેશે?
વિદેશની ગ્લેમરસ વ્યાખ્યામાં ફિટ થતો પ્રથમ દેશ એટલે અમેરીકા. સૌથી સુરક્ષિત અને મુક્ત દેશ તરીકે જગત આખામાં વિખ્યાત એ દેશમાં દર મહિને અમુક ભારતીય વિદ્યાર્થીઓના રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થાય છે. સદગત વિદ્યાર્થીઓના વ્યવસ્થિત કે સંતોષકારક તપાસ પણ અમેરિકન પોલીસ કરતી નથી. તેમાંથી અમુક વિદ્યાર્થીઓની તો હત્યા થઈ છે તેવા દાવા પણ કરવામાં આવ્યા છે પરંતુ આપણી સામે સ્પષ્ટ ચિત્ર આવ્યું નથી.
અમુક અંશે એવી જ હાલત ઓસ્ટ્રેલિયામાં પણ છે. ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુના સમાચારો આવતા રહે છે અથવા તો ત્યાં વિદ્યાર્થીઓ સ્થાનિક લોકોની નફરતનો શિકાર બને છે. કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ કે કમાવવા જતા ભારતીયોની હાલત કેવી દયાજનક છે તેના વિડિયો ખુદ તે લોકો સોશ્યલ મીડિયામાં મૂકે છે. કહેવાતા એક પણ સમૃદ્ધ દેશમાં ભારતીયોના વસવાટ કે ભણતર માટે શાંતિ નથી એ આ ગ્લોબલ ચિત્ર ઉપરથી આપણને સમજાય છે.
મેડિકલ વાત કરીએ તો સરેરાશ મિડલ ક્લાસ કુટુંબના હોશિયાર વિદ્યાર્થીનું સપનું ડોકટર બનવાનું હોય છે એવો વિચાર એનો ભારતીય પરિવાર જ નાનપણથી એના મનમાં થોપી બેસાડે છે. ઉછીનું સપનું લઈને મોટા થયેલા એ બાપડા વિદ્યાર્થીને ખબર જ નથી કે એટલી મેડિકલ બેઠકો જ નથી જેટલા ડોકટર વાંચ્છુકો આ દેશમાં છે. મા-બાપનું પોતાના પુત્ર કે પુત્રીને ડોકટર બનતા જોવાનું સપનું પૂરું કરવા માટે તે બાળકને રશિયા, ફિલિપાઇન્સ, દુબઈ, ચાઇના જેવા દેશોમાં મોકલી આપવામાં આવે છે.
હવે એ સૂચિમાં બીજા એક દેશનો ઉમેરો થયો છે જેનું નામ લગભગ ભારતીયે એની જિંદગીમાં ભાગ્યે જ સાંભળ્યું હોય. અત્યારે મેડિકલમાં એડમીશન લેવા માંગતા પણ મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવામાં નિષ્ફળ એવા વિદ્યાર્થીઓને એજન્ટો કિર્ગિસ્તાનનું પેમ્ફલેટ હાથમાં પકડાવે છે. તે દેશમાં મેડિકલ શિક્ષણ ભારત કરતા પણ સારું છે, ત્યાંની ડિગ્રી અહીંયા માન્ય છે, ત્યાં ભારતીય ખોરાક મળી રહે છે અને હોસ્ટેલ સુવિધા સારી છે છતાં ફીઝ ઓછી છે — આવા બધા મુદ્દાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને મા-બાપનું વ્યવસ્થિત બ્રેઈન વોશિંગ કરવામાં આવે છે.
હોંશે હોંશે પેટે પાટા બાંધીને અને બેન્ક એકાઉન્ટમાં ઉછીના પૈસા લઈને વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન જેવા દેશમાં વાલીઓ તેના જીગરના ટુકડાના નામ આગળ ડોકટરનું લેબલ લગાડવા પાંચ વર્ષ સુધી દૂર મોકલી આપે છે. બાળકને વિદેશ મોકલવા હવે કંઈ મોટી વાત નથી કારણ કે રોજ કોલમાં એનું મોઢું જોઈ શકાય છે – આવી સહાનુભૂતિ વાલીઓ ખુદ પોતાને આપતા રહે છે. આજે સતર હજાર ભારતીય વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ભણે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ત્યાંના પાટનગર બિશ્કેકમાં રહીને અભ્યાસ કરવાનો પ્રયાસ કરતા હોય છે.
પ્રયાસ એટલા માટે કે ત્યાં ભણવા સિવાયના બધા કામો જાતે કરવા પડે અને હાલાકી પણ ભોગવવી પડે!) બીજા અમુક વિદ્યાર્થીઓ બીજા શહેરોમાં વસવાટ કરતા હોય છે. સમગ્ર કિર્ગિસ્તાનની વસ્તી સિત્તેર લાખથી ઓછી છે એટલે કે અમદાવાદ કરતા પણ ઓછી વસ્તી આખા દેશની છે. ત્યાં જે હિંસક બનાવો બન્યા એ જાણતા પહેલા તે દેશની ભૌગોલિક અને સામાજિક તથા આર્થિક પરિસ્થિતિ વિશે આપણને ખ્યાલ જોઈએ.
કિર્ગિસ્તાન મધ્ય એશિયાનો લેન્ડલોકડ દેશ છે. કાશ્મીરથી 500 કિલોમીટર બાય રોડના અંતર પર આવેલ આ દેશ છે. તેના રાષ્ટ્રધ્વજનો રંગ લાલચટાક છે. જે દર્શાવે છે કે તે ભૂમિ ઉપર કેવો ઉન્માદ હોઈ શકે છે. તે દેશની આજુબાજુ ઉઝબેકિસ્તાન, રશિયા, ચાઇના, કઝખસ્તાન, તાજીકિસ્તાન જેવા દેશો આવેલા છે. તેમના પાડોશી નામ વાંચીને પણ બાર ચોપડી ભણેલો માણસ તે દેશના માહોલ વિશે એક અછડતો અંદાજ તો બાંધી જ શકે.
આવા દેશમાં વસ્તી ઓછી, કુદરતી સ્ત્રોતો ઓછા અને કુદરતી પાણીનો અભાવ. 1991 માં એ દેશ આઝાદ થયો. એ દેશ ઉપર તુર્કીઝ લોકોથી લઈને મોંગલો અને રશિયનોએ રાજ કર્યું છે. આઝાદી નવી છે. વર્તમાન સંજોગો જોઈએ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશથી વિદ્યાર્થીઓના ધાડાના ધાડા ત્યાં ઠલવાય છે. કિર્ગિસ્તાન વિશે સેલ્સમેનશિપ કરતા ઓવરસીઝ સ્ટડી કાઉન્સેલર આ માહિતી આપતા હોતા નથી.
આ મહિનાની 17 મી તારીખની રાતે પાટનગર બિશ્કેકમાં શું થયું? ચોક્કસપણે તો કોઈને ખ્યાલ નથી પણ ભારતીય વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહેતા હતા તેના દરવાજા ખખડાવી ખખડાવીને તેમને બહાર કાઢવામાં આવ્યા અને મારપીટ કરવામાં આવી. ભારતીયોની સાથે પાકિસ્તાની વિદ્યાર્થીઓની પણ એ જ હાલત થઈ. કિર્ગિસ્તાનના સ્થાનિક રહેવાસીઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓથી વધુ ત્રસ્ત છે.
તેનો ગુસ્સો ભારતીય વિદ્યાર્થીઓ ઉપર પણ ઉતર્યો. જો કે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે એ કારણ ખરું. બધા વિદ્યાર્થીઓ શું કામ બાખડી પડ્યા એના કારણોમાં ત્યાંના સત્તાવાર સમાચાર એવા આવ્યા કે એ તો કિર્ગીઝ વિદ્યાર્થીઓ અને ઇજિપ્તના વિદ્યાર્થીઓ વચ્ચેની માથાકૂટ હતી. પરંતુ શક્ય છે કે આ અર્ધસત્ય હોય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સાથેના સંબંધ પર આંચ ન આવે એટલે આવું સ્ટેટમેન્ટ જાહેર કર્યું હોય તે છે.