ભાજપ મમતા-નવિનને હરાવી દે તોખરેખર એ તો મોટી વાત કહેવાય

ભાજપ મમતા-નવિનને હરાવી દે તોખરેખર એ તો મોટી વાત કહેવાય

લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાર જૂને આવનારા પરિણામ પર સૌની નજર છે ત્યારે પરિણામ પહેલાં વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવી ગયા છે. આ અક્ઝિટ પોલમાં જયજયકારની આગાહીઓ કરાઈ છે.
ભાજપે પોતાના માટે 350 કરતાં વધારે બેઠકો અને એનડીએ માટે 400 પ્લસ બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. છેલ્લા તબક્કાના મતદાન પછી બહાર પડેલા 13 એક્ઝિટ પોલના તારણ પ્રમાણે, ભાજપે 350 કરતાં વધારે બેઠકો અને એનડીએ 400 પ્લસ બેઠકો તો નહીં જીતી શકે પણ ભાજપની સરકાર રચાશે.
આ 13 એક્ઝિટ પોલના તારણ પ્રમાણે એનડીએને 365 બેઠકો મળવાનો અંદાજ છે કે જેમાં ભાજપની બેઠકો 310ની આસપાસ રહેશે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા મોરચાને 145 બેઠકો મળવાનો અંદાજ છે જ્યારે અન્યને 32 બેઠકો મળી શકે છે. ભાજપ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હી સહિતનાં હિન્દી પટ્ટાના સપાટો બોલાવી દેશે અને આ રાજ્યોમાં 90 ટકાથી વધુ બેઠકો પર ભાજપની જીત નિશ્ર્ચિત હોવાની આગાહી પણ એક્ઝિટ પોલમાં કરાઈ છે.
ગુજરાતમાં ભાજપ ફરી 26 બેઠકો લઈ જશે એવું મોટા ભાગના એક્ઝિટ પોલ કહે છે જ્યારે કેટલાક પોલ એક-બે બેઠકો કોંગ્રેસ જીતી જશે એવી આગાહી કરે છે. મહારાષ્ટ્રમાં પણ નેતૃત્વ હેઠળનો એનડીએ 48માંથી 30 કરતાં વધારે બેઠકો જીતશે એવી આગાહી કરાઈ છે. મધ્ય પ્રદેશની 29 બેઠકોમાંથી ભાજપને 28થી 29 બેઠકો અને રાજસ્થાનમાં પણ 23થી 25 બેઠકો મળવાની ધારણા છે. ઉત્તર પ્રદેશમાં 69થી 74 બેઠકો અને છત્તીસગઢમાં 11માંથી 11 બેઠકો મળી શકે છે એવી આગાહી છે એ જોતાં આ ભાજપનો દબદબો જળવાશે.
આ એક્ઝિટ પોલમાં સૌથી આશ્ર્ચર્યજનક તારણ ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળ અંગે કરાયાં છે. પશ્ર્ચિમ બંગાળમાં પવન બદલાશે અને લોકસભાની 42 બેઠકોમાંથી ભાજપને 26થી 31 બેઠકો મળવાની સંભાવના છે એવી આગાહી કરાઈ છે. એ જ રીતે ઓડિશાની 21 લોકસભા બેઠકોમાંથી ભાજપ 17 સુધી બેઠકો લઈ જશે એવી આગાહી કરાઈ છે. બંગાળમાં મમતા બેનર્જી અને ઓડિશામાં નવિન પટનાઈક વરસોથી એકચક્રી શાસન ચલાવે છે. ભાજપ ખરેખર તેમના વર્ચસ્વને તોડી નાંખે તો એ મોટી વાત કહેવાય.
પશ્ર્ચિમ બંગાળની લડાઈ જબરદસ્ત છે અને ભાજપનો દાવો છે કે, તે 30થી વધુ લોકસભા બેઠકો જીતશે. ભાજપનો દાવો છે કે, લોકોમાં મમતા બેનર્જી ગુસ્સો વધી રહ્યો છે. વધતી હિંસા, ભ્રષ્ટાચારના કેસમાં મંત્રીઓનો જેલવાસ, સંદેશખાલીમાં મહિલાઓનું શોષણ વગેરે મુદ્દે લોકો મમતા પર ભડકેલાં છે તેથી આ વખતે બંગાળમાં ભાજપનું કમળ ખિલશે. મમતા બેનર્જી બંગાળની ઓળખને મોટો મુદ્દો બનાવી રહ્યાં છે પણ મમતાનો ચહેરો લોકો સામે આવી ગયો છે તેથી લોકો ભાજપ તરફ વળશે ભાજપના દાવાને એક્ઝિટ પોલ સમર્થન આપી રહ્યા છે.
ઓડિશામાં પણ નવિન પટનાઈક 25 વર્ષથી મુખ્યમંત્રી છે તેથી લોકો કંટાળ્યાં છે. બીજેડીના ભ્રષ્ટાચાર સામે લોકોમાં આક્રોશ છે એવો ભાજપનો દાવો છે. આ કારણે બીજેડીને લોકો નકારી કાઢશે એવું કહેવાય છે. એક્ઝિટ પોલ આ વાતને સાચી ગણાવી રહ્યું છે. અલબત્ત ઓડિશામાં ચૂંટણીમાં શું થશે એ વિશે એક્ઝિટ પોલ થયા નથી તેથી નવિનનું શું થશે એ જાણવું રસપ્રદ છે.
ભાજપ માટે સૌથી મોટો ગઢ ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે કે જ્યાં લોકસભાની 80 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે યુપીમાં સપાટો બોલાવેલો. 2014 ની ચૂંટણીમાં 80માંથી 73 બેઠકો જીતી હતી, તો 2019ની ચૂંટણીમાં 64 જીતી હતી. આ વખતે એનડીએ તમામ 80 બેઠકો જીતશે તેવો દાવો થઈ રહ્યો છે પણ એક્ઝિટ પોલ ભાજપ 70ની આસપાસ બેઠકો જીતશે એવું લાગી રહ્યું છે.
ભાજપ માટે બીજું મહત્ત્વનું રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રની 48 બેઠકો પર આકરી સ્પર્ધા છે. ભાગલા પડી ગયા અને શિવસેના પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ પછી ભાજપ માટે મોટો પડકાર છે. શરદ પવારના જમણા હાથ ગણાતા અજિત પવાર એનડીએ સાથે છે અને શિવસેનાથી અલગ થયેલા એકનાથ શિંદે પણ ભાજપ સાથે છે. આ બંને ભાજપ માટે લાયેબિલિટી મનાય છે એ જોતાં મહારાષ્ટ્રમાં ભાજપનો દેખાવ કેવો તેના પર સૌની નજર છે. એક્ઝિટ પોલમાં પણ આગાહી કરાઈ છે કે, ભાજપને થોડું નુકસાન સહન કરવું પડશે. શિંદે પોતાના દમ પર જીત મેળવી શકે તેમ નથી ને અજિત પવાર ભ્રષ્ટાચારી છે. આ કારણે ભાજપ માટે બંને બોજ છે ને તેની કિંમત ભાજપ ચૂકવશે એવું એક્ઝિટ પોલ પરથી લાગી છે.
કોંગ્રેસ આ ચૂંટણીમાં ખરાબ રીતે હારશે એવી આગાહી એક્ઝિટ પોલમાં કરાઈ છે ને તેનાથી કોઈને આંચકો નથી લાગ્યો. વાસ્તવમાં કોંગ્રેસને ચમત્કાર જ જીતાડી શકે તેમ છે ને અત્યારે ચમત્કાર થવાની શક્યતા ઓછી છે. કોંગ્રેસ 2009, 2014 અને 2019 માં એક્ઝિટ પોલ બહુ સાચા નહોતા પડ્યા એ પરિબળ પર રાખીને બેઠી છે.
2014 અને 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપે જીત મેળવી ત્યારે ભાજપને જંગી બહુમતીની આગાહી એક્ઝિટ પોલમાં નહોતી થઈ. 2014 માં આઠ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને સરેરાશ 283 બેઠકો અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને 105 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી જ્યારે એનડીએ 336 બેઠકો હતો. એક્ઝિટ પોલ “મોદી લહેર’ની આગાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભાજપે 282 અને કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી તેની આગાહી પણ સાચી નહોતી પડી.
2019 માં 13 એક્ઝિટ પોલમાં એનડીએને સરેરાશ 306 બેઠકો અને યુપીએને 120 બેઠકો મળવાની આગાહી કરાયેલી પણ એનડીએ 353 બેઠકો જીતી હતી. અને યુપીએને 93 મળી હતી. ભાજપે એકલાએ 303 અને કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી. ઈ. સ. 2009માં કોઈએ કોંગ્રેસ 200 બેઠકોના આંકડાને પાર કરશે એવી આગાહી નહોતી કરી પણ કોંગ્રેસ 206 બેઠકો જીતી ગયેલી. કોંગ્રેસ અત્યારે એવા જ ચમત્કારની આશા રાખીને બેઠી છે.