Homeઅમરેલીદિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જ આતિશીના રાજમાં ભારે આતશબાજી થશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જ આતિશીના રાજમાં ભારે આતશબાજી થશે

Published on

spot_img

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં વિવાદ થયો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને કોંગ્રેસ તથા આપ જોડાણ નહીં કરે એ નક્કી થયું ત્યારથી જ ડખાની શરૂઆત થઈ ગયેલી કેમ કે કોંગ્રેસના નેતાઓએ કેજરીવાલ સામે પ્રહારો શરૂ કરી દીધેલા.
તેમાં ક્રિસમસના દિવસેે કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સરકાર સામે ફરિયાદ નોંધાવી અને અજય માકેને અરવિંદ કેજરીવાલને દેશના સૌથી મોટા ફ્રોડ ગણાવ્યા તેમાં તો વિસ્ફોટ જેવું વાતાવરણ થઇ ગયું હતુ.આમ આદમી પાર્ટીએ અજય માકેનને કોંગ્રેસમાંથી તગેડી મૂકવા હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપ્યું છે અને માકેનને કોંગ્રેસ ના કાઢી મૂકે તો ઈન્ડિયા બ્લોકમાંથી કોંગ્રેસને બહાર કાઢવાની માગ પણ કરી છે એ જોતાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં આતિશીના રાજમાં ભારે આતશબાજી થશે એ નક્કી છે.
દિલ્હીમાં લોકસભાની ચૂંટણી વખતે સાત બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જોડાણ કરેલું પણ ભલી વાર આવ્યો નહોતો. દિલ્હી કોંગ્રેસના નેતા આ જોડાણથી ખુશ નહોતા તેથી તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે કામ ના કર્યું તેમાં બંનેનો વરઘોડો ઘરે આવેલો. એ વખતે જ વિધાનસભાની ચૂંટણીમાં તલવારબાજીનો તખ્તો ઘડાઈ ગયેલો.વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી કેજરીવાલે તેમની સ્ટાઈલમાં વચનોની લહાણી શરૂ કરી તેમાં કોંગ્રેસના નેતા સામે પડ્યા તેમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ખુલ્લો જંગ જ છેડાઈ ગયો છે. આ જંગમાં યુથ કોંગ્રેસે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. 25મી ડિસેમ્બરને નાતાલે યુથ કોંગ્રેસે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં મફત સારવારની જાહેરાત અને મહિલાઓને રૂપિયા 2100 આપવાની જાહેરાત સામે પોલીસ કેસ કરી નાખ્યો.
દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અક્ષય લાકરાએ કેજરીવાલ વિરુદ્ધ સંસદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હોવાનો દાવો કરીને કહ્યું કે. સરકારી વિભાગો આ બંને યોજનાઓને નકારી રહ્યા છે ત્યારે આપ આવા દાવા કરીન લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે. દિલ્હી સરકારના કેટલાક વિભાગોએ આપની યોજનાઓની પ્રામાણિકતા સામે સવાલ ઉઠાવ્યા છે એવો દાવો કરીને કોંગ્રેસે આ યોજનાઓને ગેરમાર્ગે દોરનારી ગણાવીને જનતાને તેનાથી સાવધ રહેવાની ચેતવણી આપી છે. કોંગ્રેસે કેજરીવાલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ પણ કરી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અજય માકેને 25 ડિસેમ્બરે જ આ ફરિયાદના કલાકો પછી પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને દેશના ફ્રોડ કિંગ ગણાવ્યા. કેજરીવાલને દેશના સૌથી વધારે છેતરપિંડી કરનારા ગણાવીને માકેને કહ્યું કે, કેજરીવાલને એક શબ્દમાં વ્યાખ્યાયિત કરવો હોય તો એ શબ્દ “ફર્જીવાલ’ હશે. માકેને એમ પણ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું એ કોંગ્રેસની મોટી ભૂલ હતી અને હવે આ ભૂલ સુધારવી જોઈએ. અજય માકને આ તેમનો અંગત અભિપ્રાય હોવાનો હાસ્યાસ્પદ દાવો પણ કર્યો. આ દાવો એટલે હાસ્યાસ્પદ કહેવાય કે, માકન કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં બેસીને આ દાવો કરતા હતા. માકેને કોંગ્રેસ વતી આપ અને ભાજપ બંને વિરુદ્ધ 12 પોઈન્ટનું શ્વેતપત્ર બહાર પાડતી વખતે પોતાનો કહેવાતો “અંગત’ અભિપ્રાય વ્યક્ત કર્યો તેનાથી વધારે હાસ્યાસ્પદ વાત બીજી કઈ કહેવાય?
કેજરીવાલને કોંગ્રેસે ફર્જીવાલ ગણાવ્યા તેની સામે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ કરીને એલાન કર્યું કે, આમ આદમી પાર્ટી કોંગ્રેસને ઈન્ડિયા બ્લોકમાંથી બહાર કરવા માગે છે અને આ માટે તે બીજા સાથી પક્ષો સાથે વાત કરશે. આતિશી અને સંજય સિંહે સવાલ કર્યો કે, અજય માકેને અમારા નેતા અરવિંદ કેજરીવાલને એન્ટી-નેશનલ એટલે કે દેશવિરોધી ગણાવે છે પણ તેમણે કદી ભાજપના કોઈ નેતા પર આવા આક્ષેપ કર્યા નથી તેનો અર્થ શો થાય? આતિશીએ કોંગ્રેસને અલ્ટિમેટમ આપતાં કહ્યું છે કે. કોંગ્રેસ 24 કલાકની અંદર માકેન વિરુદ્ધ કાર્યવાહી ના કરે તો અમે કોંગ્રેસ પાર્ટીને ઈન્ડિયા (ઈન્ડિયા)ગઠબંધનમાંથી બહાર કરવા માટે અન્ય વિરોધ પક્ષો સાથે વાત કરીશું.
સંજય સિંહના કહેવા પ્રમાણે, દિલ્હીમાં કોંગ્રેસ ભાજપના પડકે ઊભી છે અને તેને ફાયદો કરાવવા મથી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય તે માટે અજય માકેન ભાજપની સ્ક્રિપ્ટ વાંચે છે અને ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતાઓને નિશાન બનાવે છે. અજય માકેન નહેરૂ-ગાંધી ખાનદાનના નજીકના માણસ છે અને દિલ્હી કોંગ્રેસમાં રહી ગયેલા વધ્યાઘટ્યા નેતાઓમાંથી એક છે. માકેને ભલે પોતે અંગત રીતે બધું કહે છે એવું કહ્યું હોય પણ કોંગ્રેસ હાઈકમાન્ડની મંજૂરી વિના કશું પણ કહેવાની તેમની તાકાત નથી. તેમાં પણ કોંગ્રેસની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં બેસીને કેજરીવાલ સામે એ બોલે એ વાતમાં માલ નથી એ જોતાં કેજરીવાલ સામેની ફરિયાદ અને માકેનના આક્ષેપો બંને હાઈકમાન્ડને ઈશારે કરાયા છે તેમાં બેમત નથી. આ સંજોગોમાં આપના કહેવાથી કોંગ્રેસ માકેન સામે કોઈ પણ પગલાં લે એ વાતમાં માલ નથી.માકેન સહિતના કોંગ્રેસના નેતા જે કંઈ કરી રહ્યા છે એ તેમની મજબૂરી પણ છે. દિલ્હીમાં કોંગ્રેસે સળંગ 15 વર્ષ રાજ કર્યું પછી અરવિંદ કેજરીવાલનો ઉદય થયો એ સાથે જ કોંગ્રેસનું પતન થઈ ગયું. કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે છેલ્લી ત્રણ લોકસભામાં કોંગ્રેસ દિલ્હીમાં એક પણ બેઠક જીતી શકી નથી ને છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના નામે ઝીરો જ બોલે છે. કોંગ્રેસે દિલ્હીમાં અસ્તિત્વ ટકાવવું હોય તો આપ સામે બોલ્યા વિના છૂટકો નથી. લોકસભાની ચૂંટણીમાં આપ સાથે જોડાણ કરીને અસ્તિત્વ ટકાવવાનો પ્રયોગ પણ કોંગ્રેસે કરી લીધો પણ સફળતા ના મળી એ જોતાં કોંગ્રેસ સામે તલવાર તાણવા સિવાય વિકલ્પ નથી. આપ પણ કોંગ્રેસને ઈન્ડિયા બ્લોકમાંથી બહાર કાઢવાની વાતો કરે છે એ હાસ્યાસ્પદ છે. દિલ્હીમાં આપ અને કોંગ્રેસ સામસામે લડી રહ્યાં છે એ જોતાં ઈન્ડિયા બ્લોક જેવું કશું રહ્યું જ નથી. વાસ્તવમાં હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી દેશમાં મોટા ભાગનાં રાજ્યોમાં ઈન્ડિયા બ્લોક જેવું કશું રહ્યું નથી.ઝારખંડ. તમિલનાડુ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં કોંગ્રેસના સાથીઓ અરવિંદ કેજરીવાલના કહેવાથી હટવાના નથી એ જોતાં એ સિવાયના બીજા પક્ષો પણ કોંગ્રેસ સાથે રહે કે ના રહે બહુ ફરક પડતો નથી.

Latest articles

29-12-2024

શ્રી કૌશિક વેકરીયા સામેનાં બનાવટી લેટર પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ

અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા સામે તાલુકા પંચાયત પ્રમુખનાં નામે બનાવટી લેટર વાયરલ કરાયાનાં મામલે...

કેન્સર પિડીત જીબીએસથી પીડાતા બાળકની વ્હારે મુખ્યમંત્રીશ્રી પટેલ

અમરેલી, લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા એ લાઠી બાબરા દામનગર ના લોકો ની ચીંતા...

સાવરકુંડલાનાં વતની યુવાને પત્નિ-પુત્રની હત્યા કર્યા બાદ માતા-પિતા પર ખુની હુમલો

અમરેલી, સુરતનાં સરથાણામાં રહેતા એક યુવકે વહેલી સવારે પોતાની પત્નિ, માસુમ બાળક સહિત માતા પિતા...

Latest News

29-12-2024

શ્રી કૌશિક વેકરીયા સામેનાં બનાવટી લેટર પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ

અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા સામે તાલુકા પંચાયત પ્રમુખનાં નામે બનાવટી લેટર વાયરલ કરાયાનાં મામલે...

કેન્સર પિડીત જીબીએસથી પીડાતા બાળકની વ્હારે મુખ્યમંત્રીશ્રી પટેલ

અમરેલી, લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા એ લાઠી બાબરા દામનગર ના લોકો ની ચીંતા...