અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીનાં પગલે આજે ત્રીજા દિવસે પણ અવિરત મેઘસવારી શરૂ રહી હતી અને જિલ્લામાં હળવા ભારે વરસાદ પડ્યો હતો. તથા રાજુલા પંથકમાં વરસાદની તોફાની સવારી આવતા જાફરાબાદનાં ખાલસા કંથારીયામાં નિરણ ઉપર વિજળી પડતા લાગેલી આગમાં હકાભાઇ બોઘાભાઇ વાળાનાં 1200 પુળા સળગ્યાં હતાં અને ફાયર ફાયટરને બોલાવી આગ ઓલવાઇ હતી આ ઉપરાંત વાવેરા, નાગેશ્રીમાં પાંચ વાગ્યે ભારે વરસાદ પડ્યો હતો.
રાજુલાનાં આગરીયામાં મીની વાવાઝોડુ ફુંકાતા બે પોલ અને લોખંડનાં ગડર પડી ગયાં તથા ટીંબીમાં પણ વરસાદ અને રાજુલાનાં સાંઇ બાબાનાં મંદિર પાસે બેમોબાઇલ ટાવર તુટી પડ્યાં હતાં તથા ભારે વરસાદથી બસ સ્ટેશનમાં પાણી ભરાયાં હતાં અને આ વિસ્તારમાં કેરીનાં પાકને ભારે નુક્શાન થયું હતું.
અમરેલી તાલુકાનાં કેરીયાનાગસ, લાલાવદર, ઇશ્ર્વરીયા, દુધાળામાં વાવણી જોગો દોઢ થી બે ઇંચ વરસાદ થયો હતો તથા રાજુલામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડતા ગામમાં પાણી વહેતા થયેલ અને નાગધ્રામાં રઘુભાઇ ભડીંગજીનાં અહેવાલ પ્રમાણે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સેલ નદીમાં પુર આવ્યું હતું અને તેના કારણે બની રહેલા નવા પુલનાં પાયામાં પાણી ભરાયાં હતા જેના કારણે ગામ બેટ બન્યું હતું. ડેડાણથી બહાદુરઅલી હિરાણીનો અહેવાલ જણાવે છે કે, ડેડાણમાં કડાકા ભડાકા સાથે બે ઇંચ પડ્યો હતો તથા જાફરાબાદ ના લોર, પીંછડી,ફ ાચરિયા, હેમાળ , છેલણા, એભલવડ ના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ગરમીથી સ્થાનિક લોકોને રાહત મળી હતી.લાઠી તેમજ લીલીયામાં વરસાદનાં ઝાપટા પડ્યાં હતાં. દામનગરમાં વિજળીનાં કડાકા ભડાકા સાથે છાંટા પડ્યાં હતાં. બાબરા, વડીયા, કુંડલા, ચલાલામાં હળવા ભારે વરસાદનાં ઝાપટા પડતા પીપાવાવમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. જ્યારે જાફરાબાદમાં સારો વરસાદ પડ્યાનાં વાવડ મળી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં ચોમાસુ સક્રિય થાય અને સારો વરસાદ પડે તેની આશામાં ખેડુતો રાહ જોઇ રહ્યાં છે.