અંતે ભારતીય ક્રિકેટ ટીમે ટી 20 વર્લ્ડ કપ જીતીને 13 વર્ષનો વર્લ્ડ કપ નહીં જીતવાનો દુકાળ પૂરો કરી દીધો. વેસ્ટ ઈન્ડિઝના બાર્બાજોશમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં ભારતે જબરદસ્ત ટીમ સ્પિરિટ બતાવીને રને જીત મેળવી અને ટી 20 વર્લ્ડ કપમાં બીજી વાર ચેમ્પિયન બન્યું. બહુ લાંબા સમય પછી એવું બન્યું કે, ભારતના દરેક ખેલાડીએ જબરદસ્ત યોગદાન આપ્યું હોય ને આ ટીમ એફર્ટના કારણે જ આપણે ચેમ્પિયન બન્યા. ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે, હાર્દિક પંડ્યા, બુમરાહ અને અક્ષર પટેલે આ સૌથી મોટું યોગદાન આપ્યું છે.
રીયલ થ્રીલર જેવી આ મેચમાં વિરાટ કોહલી અને શિવમ દુબે બેટિંગમાં ચાલ્યા તો બૂમરાહ, હાર્દિક પંડ્યા, અર્શદીપસિંહ બોલિંગમાં ચાલ્યા જ્યારે આપણો ગુજરાતી બાપુ , અક્ષર પટેલ બેટિંગ ને બોલિંગ બંનેમાં ચાલી ગયો. સૂર્યકુમાર યાદવ બેટિંગમાં ભલે ના ચાલ્યો પણ ડેવિડ મિલરનો કેચ પકડીને એ ધોઈ નાંખી કેમ કે મિલરના કેચે જ ભારતને જીતાડ્યું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. બાકી આ મેચ આપણે ગુમાવી જ દીધેલી. પંતે પણ વિકેટકીપર તરીકે બોલરોને કઈ રીતે બોલિંગમાં ચેન્જ કરવા તેની સ્ટ્રેટેજીમાં ભારે મદદ કરી ને રોહિતે કેપ્ટન તરીકે યોગદાન આપ્યું.
ભારત 2011માં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ પછી એક પણ વર્લ્ડ કપ નહોતો જીત્યો. ત્રણવાર ફાઈનલમાં આવીને હારેલું અને દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં પણ પહેલાં ક્લાસેન ને પછી ડેવિડ મિલર જે રીતે રમતા હતા એ જોતાં લાગતું હતું કે, આ ઈતિહાસનું પુનરાવર્તન થશે પણ આપણા ગુજરાતી ભાયડા હાર્દિક પંડ્યાએ આઉટસ્વિંગર બ્યુટીમાં ક્લાસેનને વિકેટ પાછળ ઝીલાવ્યો ને પલટાઈ ગઈ.
દક્ષિણ આફ્રિકાએ 177 રનનો સ્કોર ચેઝ કરતી વખતે એક સમયે 15 ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવી લીધા ત્યારે આફ્રિકાની જીત નિશ્ર્ચિત જણાતી હતી. 16 ઓવર પછી આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 151 રન હતો ને 24 બોલમાં 26 રન કરવાના હતા તેથી ભારત હારી ગયેલું જ લાગતું હેનરિક ક્લાસેન જે રીતે બોલને ઉઠાવી ઉઠાવીને બાઉન્ડ્રી બહાર મોકલતો હતો એ જોતાં 18મી ઓવરમાં તો મેચ પતાવી દેશે એવું લાગતું હતું પણ 17મી ઓવરના પહેલા બોલે હાર્દિકે ક્લાસેનને આઉટ કરીને મોટો ફટકો માર્યો.
“જો કે ડેન્જરમેન ડેવિડ મિલર મેદાન પર હતો તેથી બાજી હજુ આફ્રિકાની તરફેણમાં હતી પણ બૂમરાહ અને અર્શદીપે એ પછી જે બોલિંગ કરી તેને વખાણવા શબ્દો નથી. હાર્દિકે 17મી ઓવરમાં 1 વિકેટ લઈને 4 જ રન આપ્યા, બૂમરાહે 18મી ઓવરમાં માત્ર 2 રન આપીને જેનસનને આઉટ કર્યો ને સરદારજી અર્શદીપે કેશવ મહારાજ તથા મિલર બંનેને બાંધી રાખીને 4 જ રન આપ્યા તેમાં આફ્રિકાએ છેલ્લી 16 રન કરવાના આવ્યા.
મેચ એ વખતે પણ આફ્રિકાની પકડમાં હતી કેમ કે મિલર સ્ટ્રાઈક પર હતો પણ સૂર્યકુમાર યાદવે મિલરનો અદ્ભુત ને યાદગાર કેચથી પકડીને બાજી પલટી દીધી. 1983ની ફાઈનલમાં કપિલ દેવે વિવિયન રિચાર્ડ્સને આઉટ કરવા 30 મીટર ઉંધા દોડીને પકડેલા કેચની યાદ અપાવે એવો કેચ યાદવે પકડ્યો. પકડવા માટે દોડતાં દોડતાં બાઉન્ડ્રીની બહાર નિકળી ગયેલા સૂર્યકુમારે બોલ પહેલાં જ છોડી દીધેલો ને પછી કૂદકો મારીને બાઉન્ડ્રીની અંદર આવીને બોલ પાછો પકડીને મિલરને રવાના કર્યો એ કેચે મેચ જીતાડી. કેચીસ વિન્સ મેચીસ એવું કહેવાય છે ને યાદવના કિસ્સામાં આ વાત સાચી પડી. અગેઈન, હાર્દિકે આ છેલ્લી ઓવરમાં 8 રન આપ્યા અને બે વિકેટ લીધી.
ભારતના વિજયમાં વિરાટ કોહલીની બેટિંગનું પણ મોટું યોગદાન છે ને તેની વાત ના કરીએ તો નગુણા કહેવાઈએ. લાંબા સમયથી એવું બનતું કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા એ બે ધુરંધરોનું ઘોડું દશેરાના દિવસે જ નહોતું દોડતું. ફાઈનલ સહિતની મોટી મેચોમાં જ એ ધોળકું ધોળીને બેસી જતા. આ વખતે એવું ના થયું. રોહિત શર્માએ સુપર 8માં ઓસ્ટ્રેલિયા સામે ને સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે જબરદસ્ત બેટિંગ કરેલી પણ વિરાટ ચાલતો જ નહોતો તેથી ગાળો પણ પડતી હતી. વિરાટ આખી ટૂર્નામેન્ટમાં ભલે ના ચાલ્યો પણ ફાઈનલમાં ચાલ્યો ને એવો ચાલ્યો કે, ભારતની લથડી ગયેલી સ્થિરતા આપીને સન્માનજનક સ્કોર ઉભો કરી આપ્યો.
“ભારતે બાર્બાડોસ સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનું પસંદ કર્યું પછી રોહિત શર્મા રાબેતા મુજબ બીજી જ ઓવરમાં રવાના થઈ ગયેલો. રોહિત શર્માની પાછળ પાછળ ષભ પંત અને સૂર્યકુમારની વિકેટો પણ પાવરપ્લેમાં પડી જતાં ભારત 29 રનમાં 3 વિકેટો ગુમાવીને ડચકાં ખાતું એ વખતે કોહલીએ ઈનિંગ્સને સ્થિરતા આપવા માટે ધીમા પડી જવાની વ્યૂહરચના અપનાવી. તેના કારણે રન રેટ ઘટ્યો પણ સામે વિકેટો પડતી પણ બંધ થઈ તેમાં ભારત ટકી ગયું. કોહલી ઊભો ના રહ્યો હોય તો કદાચ તું જા હું આવું થઈ ગયું હોત ને આપણે લબડી ગયા હોત. કોહલીએ 59 રમીને 72 રન બનાવ્યા એ તેની ક્ષમતા પ્રમાણે ધીમા કહેવાય પણ ભારતને જરૂર હતી એવી બેટિંગ કરી એ બદલ વિરાટને સલામ કરવી જોઈએ. વિરાટે પોતાની છેલ્લી 20 ઈન્ટરનેશનલ મેચને ખરેખર યાદગાર બનાવી દીધી.
કોહલીએ 76 રન શાંતિથી રમીને બનાવી શક્યો તેમાં શિવમ દુબે અને અક્ષર પટેલનું પણ જોરદાર યોગદાન અક્ષર પટેલે 47 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. 34 રનમાં 3 વિકેટો પડી ગયેલી ત્યારે આવેલા અક્ષર પટેલે 31 બોલમાં 4 સિક્સર ને 1 બાઉન્ડ્રી સાથે 47 રન બનાવીને રન રેટ ના ઘટવા દીધો અને કોહલીએ મોટા શોટ્સ મારવાની ફરજ પડે એવું દબાણ ઉભું કર્યું. શિવમ દુબેએ ઝડપી ગતિએ બોલમાં 27 રન બનાવ્યા. કોહલીની અક્ષર અને શિવમ સાથેની ભાગીદારીના કારણે જ સ્કોર 176 સુધી પહોંચ્યો હતો એ જોતાં આ અક્ષર અને શિવમનાં ભલે બહુ વખાણ ના થયાં પણ તેમનું યોગદાન જબરદસ્ત છે. હાર્દિકનાં પણ બહુ વખાણ ના થયાં પણ તેણે 20 રનમાં 3 વિકેટ ઝડપી ને તેમાં બે તો ક્લાસેન અને મિલરની છે કે જે ભારતના હાથમાંથી મેચ આંચકી ગયેલા. હાર્દિક પોતાની બોલિંગથી તેમની પાસેથી મેચ આંચકી લાવ્યો.
વિરાટ કોહલી અને રોહિત શર્મા આ વિજય સાથે ટી 20માંથી વિદાય થયા છે ને આ નિર્ણય બહુ સારો છે. બંનેની બેટિંગમાં પહેલાં જેવો ટચ નથી એ જોતાં બંને માટે થવા આનાથી બહેતર સમય જ ના હોય. રાહુલ દ્રવિડને પણ કોચ તરીકે યાદગાર ભેટ સાથે ટીમ ઈન્ડિયાએ વિદાય આપી.
ટીમની તાકાતથી ટી – ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીનેભારતે ફરી એક વાર વૈશ્વિક ડંકો વગાડ્યો છે
Published on