Homeઅમરેલીપાક-અફઘાનના અનેક ટુકડાઓ થશે અને એની પ્રજા ભારત ભાગી આવશે?

પાક-અફઘાનના અનેક ટુકડાઓ થશે અને એની પ્રજા ભારત ભાગી આવશે?

Published on

spot_img

અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોનમાં આતંકવાદીઓ પર સૈન્ય કાર્યવાહી માટે ગહન અભ્યાસ અને સંશોધન કરનારો અલગ વિભાગ છે. અમેરિકાની સૌથી મોટી તાકાત જ એ છે કે એની પાસે દરેક ક્ષેત્રમાં સંશોધન કરનારાઓનો વિરાટ કાફલો છે. કોઈપણ દેશમાં શિક્ષણ સર્વોચ્ચ સ્તરે પહોંચે પછીથી સંશોધનનો ઊઘાડ થતો હોય છે. પેન્ટાગોનના અભ્યાસ પ્રમાણે અત્યારે આતંકવાદીઓ દુનિયાભરમાં ફેલાઈ ગયેલા છે. ઇરાક, સિરિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ ચાર દેશોમાંથી આગામી પચાસ વરસ સુધી આતંકવાદીઓનો સફાયો થઇ શકે એમ નથી. આતંકવાદમાં છૂપાઈને પ્રહાર કરવાની જે દગાબાજી છે અને એની જે ભૌગોલિક અનિશ્ચિતતાઓ છે એ જ એને કોઈપણ શક્તિશાળી સૈન્ય સામે ટકાવી રાખે છે.
પેન્ટાગોનની નવી થિયરી પ્રમાણે આતંકવાદીઓ સત્વરે પોતાની નવી જનરેશન તૈયાર કરવામાં ધ્યાન આપે છે, કારણ કે તેઓ જાણે છે કે તેઓની પાસે જિંદગી અલ્પ અવધિ ધરાવતી હોય છે અને ડગલે ને પગલે મોત એમનો પીછો કરતું હોય છે. ઉપરાંત તેઓ પોતે પણ ફિદાયિન હુમલાઓ દ્વારા કે અન્ય રીતે મૃત્યુને ભેટવા માટે તત્પર હોય છે. હવે આતંકવાદીઓ દુનિયાના તમામ ક્રાન્તિકારી પ્રદેશો પર પોતાની હકૂમત જમાવવા નીકળ્યા છે. કારણ કે જે પ્રદેશની પ્રજા તેના જ દેશની વિરુધ્ધમાં વિચારતી હોય એને પોતાની કરી લેવાનું કામ આતંકવાદી કમાન્ડરોને આસાન લાગે છે. કાશ્મીરમાં છેલ્લા ત્રણ-ચાર વરસથી એ જ થઇ રહ્યું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાન્તમાં ક્રાન્તિ ચાલી રહી છે અને ત્યાં પણ હવે ઇરાક અને સિરિયાથી આતંકવાદીઓ આવવા લાગ્યા છે. એનો બીજો અર્થ એ પણ છે કે પોતાના જ દેશની સરકાર સામે પ્રાંતવાદ દાખવીને લડાયક બનેલી વિશ્વની કોઈપણ પ્રજાને કે નાના સમુદાયને હવે તૈયાર આતંકવાદીઓનું હરતું ફરતું સૈન્ય ઉપલબ્ધ થવા લાગશે.
અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં તાજેતરના કિસ્સાઓમાં એ સાબિત થઇ ગયું છે કે ઇસ્લામ ધર્મના કોઈ પણ તહેવારની અદબ હવે આતંકવાદીઓ જાળવતા નથી. દુનિયાની વિવિધ સરકારો દ્વારા આતંકવાદીઓ સામેના જે એકતરફી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવે છે તેને આતંકવાદીઓ તો ધ્યાનમાં લેતા જ નથી અને એનો લાભ લઇને તેઓ બેફામ હુમલાઓ કરતા થયા છે. અફઘાન સરકારે હમણાં જ જાહેર કર્યું કે અમે હવે યુદ્ધ વિરામનો અંત લાવીએ છીએ અને અમારા સૈન્યને તાલીબાન સામે નવેસરથી જંગ છેડવાનો હુક્મ કરીએ છીએ. આમ કહેવાનો કોઈ અર્થ નથી અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અફઘાન સૈન્યની જ પ્રતિષ્ઠા ઘટે છે. ભારત સરકાર પણ જમ્મુ અને કાશ્મીરમાં આવા માત્ર પોતે જ પાલન કરવાના યુદ્ધવિરામના નિષ્ફળ અખતરા કરી ચૂકી છે. વિશ્વના જે દેશોમાં ત્યાંની સરકાર સામે બળવો થવાની સ્થિતિ હોય કે સિવિલ વોરના સંયોગો નજીક આવી ગયા હોય ત્યાં હવે આતંકવાદીઓ પનાહ લેવા લાગ્યા છે. પેન્ટાગોન માને છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના થોડા વરસો પછી ટુકડે-ટુકડા થઇ જશે. ત્યાં અનેક નવા નાના રાષ્ટ્રો અસ્તિત્વમાં આવશે.
આ એવા બે દેશો છે જે આજની દુનિયા માથે લટકતી તલવાર જેવા આતંકવાદનું ભરપુર પાલન પોષણ કરી રહ્યા છે. અફઘાન પ્રજાએ તો ઘણા વર્ષોથી આતંકવાદ સાથે છેડો ફાડી નાંખ્યો છે. પરંતુ વર્ષો સુધી તાલીબાનોને પ્રોત્સાહન આપ્યુ હોવાને કારણે તેઓ ત્યાંથી જલદી દૂર થાય એમ નથી. એની સામે પાકિસ્તાને તો સૈન્યની એક પાંખની જેમ જ આતંકવાદીઓના તાલીમી કેમ્પ નિભાવ્યા છે. પાક સરકારના બજેટમાં હંમેશા એક જંગી રકમનું ગુપ્ત ફંડ આતંકવાદીઓને ફાળવવામાં આવે છે જે મુખ્યત્વે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના પહોંચે છે.
ઇ.સ. 2001ના ન્યૂયોર્ક ટ્રેડ સેન્ટર પરના હુમલાઓ જે નાઈન ઇલેવન તરીકે ઓળખાય છે તે દિવસથી આજ સુધી અમેરિકાએ આતંકવાદ સામેની લડતમાં દર વરસે તેના વાર્ષિક બજેટની વીસ ટકા રકમ ખર્ચ કરી છે. પેન્ટાગોનના ફ્યુચરિસ્ટિક્સ અંતર્ગતના સંશોધનો બતાવે છે કે આગામી વરસોમાં વિશ્વના મોટા ભાગના દેશોએ તેના બજેટની વીસ ટકા રકમ જે જંગી કહેવાય એ આતંકવાદ સામે લડવામાં ખર્ચ કરવી પડશે. આ તારણો એમ પણ દર્શાવે છે કે સરહદી સુરક્ષાની સમસ્યાની તુલનામાં આંતરિક સુરક્ષાના પ્રશ્નો દરેક દેશની સરકાર માટે હવે કાયમી ઉપાધિનો વિષય છે. અમેરિકાના વાર્ષિક બજેટની વીસ ટકા રકમ ભારત, રશિયા અને દક્ષિણ કોરિયાના વાર્ષિક સંરક્ષણ બજેટની ક્યાંય અધિક થાય છે.
ઇ.સ. 2001 સુધી અમેરિકામાં જેહાદીઓ અને આતંકવાદીઓ દ્વારા મૃત્યુ પામેલા નાગરિકોની સંખ્યા માત્ર એક સો હતી. પરંતુ પછીથી આ આંકડો વીજળીક વેગે વધતો રહ્યો છે. માત્ર ઇ.સ. 2016ના એક જ વરસમાં અમેરિકામાં આતંકવાદીઓ દ્વારા હણાયેલા નાગરિકોની સંખ્યા વીસ હજાર સુધી પહોંચી ગઈ. જો અમેરિકાના આંકડાઓ આમ કહેતા હોય તો ભારતમાં નકસલવાદીઓ અને પાક પ્રેરિત આતંકવાદીઓ દ્વારા કુરબાન કરી દેવાયેલા ભારતીય નિર્દોષ નાગરિકો અને શહીદ થયેલા સૈનિકોની છેલ્લા ચાર વરસમાં સંખ્યા ક્યાં પહોંચી હશે ? માત્ર કલ્પના જ કરવાની રહે છે, કારણ કે ભારત સરકાર દ્વારા જાહેર થતા આંકડાઓ પર વિશ્વાસ રાખવો એ સત્યનો અનાદર કરવા બરાબર છે.
આતંકવાદે અફઘાનિસ્તાનના લાખો લોકોને નિશાન બનાવ્યા છે એને કારણે અફઘાન પ્રજામાં આજે એવું કોઈ પરિવાર નથી જેનો એક પણ સભ્ય આતંકવાદીઓના હાથે માર્યો ગયો ન હોય. અને એ જ કારણથી પ્રજા સામુદાયિક રીતે આતંકીઓની વિરુધ્ધ થઇ ગઇ છે. તો પણ તાલીબાનનો પગદંડો હજુ ત્યાં મજબુત છે. અફઘાનિસ્તાનમાં બેઘર થયેલા લોકોની સંખ્યા પણ લાખોની છે. અમેરિકા માત્ર પોતાની ઉપસ્થિતિ અને પ્રભાવ જાળવવા માટે અફઘાનિસ્તાનમાં છુટાછવાયા હુમલઓ હજુ ચાલુ રાખે છે. થોડા દિવસો પહેલા જ અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાનના કુનાર પ્રાન્તમાં ફઝલુલ્લાહ નામના એક આતંકવાદી નેતાને ઠાર માર્યો હતો. તહેરિક-એ-તાલિબાન જૂથ ચલાવીને વરસો સુધી પાકિસ્તાન સરકારના ફંડથી તગડો થયેલો આ આતંકવાદી પેન્ટાગોનના હિટલિસ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી હતો. અમેરિકા પાસે દુનિયાના આતંકવાદીઓનું એક વર્ગીકૃત લિસ્ટ છે. ડોનાલ્ડ ટ્રમ્પ બુદ્ધિમાન વેપારી રાજનેતા છે. એમણે શરૃઆતમાં ઉતાવળા વિધાનો કર્યા બાદ આતંકવાદ સામેનું યુદ્ધ ઠંડુ પાડી દીધું છે. એક અકળ વ્યક્તિત્વના તેઓ માલિક છે.
વિકાસશીલ રાષ્ટ્રોમાં અશાંતિ ફેલાતી રહે એવો મત ધરાવતા બે મોટા ગજાના નેતાઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્લાદિમિર પુતિન છે. તેઓ આતંકવાદને નામશેષ કરવા ચાહતા નથી, પરંતુ બેઠા થતા જતા દેશોને વારંવાર પછાડતા રહેવા માટે આતંકવાદીઓને અત્યંત ગુપ્ત રીતે પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાન કે જે ભારત સામે તેના આતંકવાદીઓ દ્વારા છેલ્લા ત્રીસ વરસથી લડે છે એને હમણાં સુધી તો અમેરિકાએ ભીતરથી પ્રેરણા આપી હતી. અફઘાનિસ્તાનના તાલીબાનોએ જ અમેરિકી મદદથી અફઘાન ધરતી પરથી રશિયાને હાંકી મૂક્યું હતું. એ જ રશિયા હવે આ અફઘાન પર પોતાનો નવો પ્રભાવ જમાવવા માટે દુશ્મન જેવા તાલીબાનોને ગર્ભિત રીતે મદદ કરતું હોવાની દહેશત અફઘાન સરકારને છે. રશિયાની વિદાય પછી અમેરિકાએ જ અફઘાન પ્રજાને વેરવિખેર કરી છે. જો કે ઓસામા બિનલાદેનના જમાનામાં અમેરિકી લડાયક વિમાનોએ અફઘાન ધરતીને જે નુકસાન કર્યુ તેના બદલામાં અમેરિકાએ એક આખી ડોલરગંગા વહાવી છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઉત્તર એટલાન્ટિક દેશોના સંગઠન ’નાટો’નું એક સશસ્ત્ર દળ અમેરિકાએ હજુ પણ અફઘાનિસ્તાનમાં તૈનાત રાખ્યું છે. જેમાં અમેરિકી જાસૂસો પણ છે. તાલીબાનોને અફઘાન સરકાર સામેના ક્રાન્તિકારી સમુદાયનું સમર્થન હવે મળી ગયું છે. આતંકવાદની બદલાયેલી પરિભાષા આવનારા દિવસોમાં અનેક એશિયન દેશોને સપાટામાં લઇ લેશે.

Latest articles

03-01-2025

બાંગ્લાદેશ હવે ધણીધોરિ વગરનો દેશ થશે પછીએને લૂંટવા માટે ચીન ને પાકિસ્તાન પડખે ચડશે

ભારતની જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો બાંગ્લા લોકોના આંતર કલહનો લાભ લઈને પોતાની...

મહુવામાં ગંદકીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા

મહુવા, શિક્ષણનું જ્ઞાન લેવા સામે શાળા એ આવતા જતાં બાળકોનું સ્વાસ્થ્ય ગંદકીને કારણે બગડી જાય...

પોલીસે કાયદાની પ્રક્રિયા પ્રયાણે કામ કર્યુ છે, વિડીયોમાં દેખાય છે કે આરોપી કેવી રીતે ઉપસ્થિત છે : એસપીશ્રી સંજય ખરાત

અમરેલી, અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ આવતા પોલીસ તપાસ દરમિયાન કેટલાક આરોપીઓની...

Latest News

03-01-2025

બાંગ્લાદેશ હવે ધણીધોરિ વગરનો દેશ થશે પછીએને લૂંટવા માટે ચીન ને પાકિસ્તાન પડખે ચડશે

ભારતની જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો બાંગ્લા લોકોના આંતર કલહનો લાભ લઈને પોતાની...

મહુવામાં ગંદકીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા

મહુવા, શિક્ષણનું જ્ઞાન લેવા સામે શાળા એ આવતા જતાં બાળકોનું સ્વાસ્થ્ય ગંદકીને કારણે બગડી જાય...