યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ( યુસિર્ફ ) ની એ ભલામણ ભારતને વિશેષ ચિંતાના દેશ તરીકે સાબિત કરવા અને તેના પર પ્રતિબંધો લાદવાના ઈરાદાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જો કે યુસિર્ફ પહેલા પણ આવી વાતો કહી ચૂક્યું છે, તેની તાજેતરની ભલામણ તેના પોતાના ધોરણોથી પણ ચોંકાવનારી છે.
અમેરિકાએ જગત પર રાજ કરવા માટેના અનેક સત્તામંડળો ઊભા કરી રાખેલા છે એમાંનું આ એક છે. જે પોતાને ઘેર બેઠા એઠા બીજા દેશોનો મનઘડંત ન્યાય તોળે છે. જગતકાજીની આ બદતમિઝી બધા સહન કરતા આવ્યા છે ને એની જાળમાંથી રશિયા અને ચીન જેવા કેટલાક માથાભારે અને ઉત્તર કોરિયા અને કતાર જેવા તુમાખી ધરાવતા દેશો જ છટકી શક્યા છે.
આ વખતે યુસિર્ફની ભલામણ એવા આક્ષેપો પર આધારિત છે જેની સચ્ચાઈની ક્યાંય પુષ્ટિ મળી નથી. નિજ્જર હત્યા કેસ અને પન્નુની હત્યાના કથિત કાવતરાને લગતા આરોપો ભારત વિરોધી તત્ત્વો દ્વારા આંતરરાષ્ટ્રીય મીડિયામાં વારંવાર ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ માત્ર જૂની વાતોનું પુનરાવર્તન છે. આ બાબતોના આધારે, યુસિર્ફ ફરી એકવાર તેની જૂની રેકર્ડ વગાડીને એ સ્વરો આગળ ધપાવવા ચાહે છે.
યુએસ કમિશનની આ ઉતાવળ પણ અગમ્ય છે કારણ કે કેનેડા, અમેરિકા અને ભારત એમ ત્રણ દેશોમાં આ કેસોની તપાસ અલગ-અલગ સ્તરે ચાલી રહી છે, પરંતુ ક્યાંય તે તેના તાર્કિક નિષ્કર્ષ પર પહોંચી નથી. આ અમેરિકન કમિશનનું આ વલણ કોઈ નવી વાત નથી, તેણે તેના છેલ્લા ત્રણ વાર્ષિક અહેવાલોમાં ભારત સામે આવી જ ભલામણો કરી છે.
ભારત સરકાર આ અહેવાલોને ફગાવી રહી છે એટલું જ નહીં, અમેરિકન સરકારે પણ તેના પર ધ્યાન આપવું જરૂરી નથી માન્યું. પરંતુ આ વખતે બતાવવામાં આવેલી ઉતાવળ એ આરોપોને વધુ મજબૂત બનાવે છે કે તેના અહેવાલોમાં ભારત વિરોધી પક્ષપાત મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતીય મૂળના પાંચ અમેરિકન સાંસદોના નિવેદનોને પણ આ સંદર્ભમાં જોવું પડશે.
જો કે ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા આ સાંસદોનું નિવેદન બાઈડન પ્રશાસનના ખાનગી બ્રિફિંગ પર આધારિત છે, તેમ છતાં તેમના માટે એ કહેવું જરૂરી છે કે આ મામલો ભારત-અમેરિકાના સંબંધો માટે ખતરો બની શકે છે.
જે રીતે ભારત વિરોધી તત્ત્વો આ પ્રકરણને ઉઠાવી રહ્યા છે તે જોતા કહી શકાય કે આ મામલામાં સત્ય ભલે ગમે તે હોય પણ તેની પાછળનો ઈરાદો બંને દેશોના સંબંધોને ઠેબે ચડાવવાનો છે. આવી સ્થિતિમાં મામલાને એ રીતે હેન્ડલ કરવામાં આવે કે સાપ મરે પણ લાકડી ન તૂટે તે વધુ જરૂરી બની જાય છે.
મતલબ કે આ મામલાનો ઉકેલ લાવવો જોઈએ અને જે લોકો સંબંધ બગાડવાની યોજના બનાવી રહ્યા છે તેમને સાચો મેસેજ મોકલવો જોઈએ. દેખીતી રીતે જ બંને દેશોએ વધુ સાવધાની અને સંવેદનશીલતા દાખવવાની જરૂર છે.
અમેરિકાની સરકારી એજન્સી યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે ખરેખર તો ખાલિસ્તાની વિવાદને આધાર બનાવીને ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે ફરી એકવાર ઝેર ફેલાવવાની તક ઝડપી છે. યુસિર્ફ દ્વારા વિદેશમાં ધાર્મિક લઘુમતીઓને કથિત લક્ષ્યાંકને ટાંકીને, યુએસ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ભારતને વિશેષ ચિંતાનો દેશ તરીકે નિયુક્ત કરવા બાઈડન વહીવટીતંત્રને હાકલ કરી છે.
આખા વિશ્વમાં અમેરિકા આતંકવાદના નામે નિર્દોષ મુસ્લિમોનું લોહી વહાવે છે ત્યારે આ સરકારી એજન્સીનો અવાજ બહાર આવતો નથી. આતંકવાદના નામે અમેરિકાએ આટલા નિર્દોષ અફઘાનોની હત્યા કરી છે તે વાત કોઈનાથી છુપી નથી.
એ જ રીતે સામૂહિક વિનાશના શસ્ત્રો હોવાનો ખોટો આરોપ મૂકીને ઇરાક પર આક્રમણ કર્યું અને સદ્દામ હુસૈનને પકડીને ફાંસી આપી. જે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું હતું એવા લિબિયાનો નાશ કર્યો. યુસિર્ફ દ્વારા તેના પત્રમાં એવો બકવાસ કરવામાં આવ્યો છે કે વિદેશમાં કાર્યકર્તાઓ, પત્રકારો અને વકીલોને ચૂપ કરવાના ભારત સરકારના તાજેતરના પ્રયાસોથી ધાર્મિક સ્વતંત્રતા માટે ગંભીર ખતરો ઊભો થયો છે. એણે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને વિનંતી કરે છે કે ભારતના વ્યવસ્થિત, ચાલુ રહેલ અને ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘનને કારણે ભારતને ખાસ ચિંતાનો દેશ જાહેર કરવામાં આવે.