અમરેલી,
સુરતનાં સરથાણામાં રહેતા એક યુવકે વહેલી સવારે પોતાની પત્નિ, માસુમ બાળક સહિત માતા પિતા ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યા બાદ પોતાએ પણ આપઘાતનો બત્રાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતિની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. બીજી તરફ હુમલાનાં પગલે માસુમ પુત્ર અને પત્નિનાં ઘટના સ્થળે જ મોત થયા હતાં જ્યારે માતા પિતાનાં હુમલાખોર પુત્રને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. આ જીવલેણ હુમલો કરનાર યુવક સામે પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. મુળ સાવરકુંડલાનાં વતની અને છેલ્લા ઘણા સમયથી સુરતનાં સરથાણામાં સુર્યા એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય સ્મિત જીયાણીએ આજે વહેલી સવારે 7 વાગ્યા આસપાસ બેડરૂમમાં નિંદ્રાધીન 30 વર્ષીય હિરલ તથા ચાર વર્ષનાં માસુમ પુત્ર ચાહીત જીયાણી પર ચપ્પુ વડે ગળાનાં ભાગે હુમલો કરી દીધો હતો. આ હુમલા બાદ સ્મિતે બાજુનાં રૂમમાં સુઇ રહેલા પોતાના પિતા લાભુભાઇ જીયાણી અને માતા વિલાસબેન જીયાણી પર ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારનાં સભ્યો પર જીવલેણ હુમલા બાદ સ્મિતે પોતાના હાથની નસો કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પુત્ર દ્વારા અચાનક કરવામાં આવેલા હુમલાનાં પગલે માતા અને પિતા અવાક રહી ગયા હતાં અને અર્ધ બેભાન હાલતમાં ઘરની બહાર નિકળીને બુમાબુમ કરવા લાગતા લોકોનું ટોળુ એકઠું થયું હતું અને પાડોસીઓ કાંઇ સમજે વિચારે તે પહેલા ઘરની હાલત જોઇ ડઘાઇ ગયા હતાં. માસુમ બાળક અને પત્નિનું ઘટના સ્થળે મોત થયા હતાં જ્યારે સ્મિત સહિત માતા અને પિતાની હાલત ગંભીર હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફત દાખલ કર્યા હતાં. પોલીસે હાલનાં તબક્કે સ્મિત વિરૂધ્ધ હત્યા અને હત્યાનાં પ્રયાસની ફરિયાદ દાખલ કરી હોવાનું જણાવ્યું છે.