Homeઅમરેલીચા કરતાં કિટલી ગરમ : ભાજપમાં કોઈ ચાહે તોપણ યોગી આદિત્યને હલાવી...

ચા કરતાં કિટલી ગરમ : ભાજપમાં કોઈ ચાહે તોપણ યોગી આદિત્યને હલાવી શકે એમ નથી…!

Published on

spot_img

ઉત્તર પ્રદેશના ભગવાધારી રાજસંસારી યોગી આદિત્યનાથ આજકાલ જે તરંગો વહેતા કરી રહ્યા છે એનાથી ભાજપની તૂટવા લાગેલી વોટબેન્ક અધિક જર્જરિત થવાની શક્યતા હોવાથી ભાજપના મોવડી મંડળ માટે આ નેતા નવી નવી ઉપાધિઓનું નિત્ય કરી રહ્યા છે. તેઓને હવે તો ખ્યાલ પણ રહેતો નથી કે અભિમાનમાં તેઓ શું બોલી રહ્યા છે. અતિક અશરફની હત્યા પછી સોશિયલ મીડિયાએ મોટો ઉપાડો લઈને આદિત્યને હીરો બનાવ્યા છે. આગામી વિવિધ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં એમને પ્રચારાર્થે તો જ ભાજપ લઈ જશે જો એડવાન્સ પરાજય સ્વીકારી લેવામાં આવતો હોય. કે તેમના વાણીવિલાસમાં પારાવાર છબરડાઓના ઝૂમખાઓ હોય છે. મોરારજી દેસાઈના જમાનામાં જે કામ રાજનારાયણ નામનો નેતા કરતો હતો એવા જ ઉચ્ચારણો અત્યારે આદિત્યનાથ કરે છે, જે વિધાનોને કોઈ ન તો પૂર્વાપર સંબંધ હોય છે કે ન તો કોઈ પ્રાસંગિક સંગતતા હોય છે.
હમણાં એક અપરાધી પોલીસમેનને બચાવવા જતા તેમણે ઉત્તર પ્રદેશ સરકારની પ્રતિષ્ઠા નેવે મૂકી દીધી. વિવેક તિવારી નામના એક ખાનગી કંપનીના નોકરિયાતને લખનૌની પોલીસે સાદ કર્યો. પેલાએ સાદ સાંભળ્યો નહિ. યુપી પોલીસે બીજો સાદ કરવાને બદલે સીધી ગોળી મારીને એની હત્યા કરી નાખી.એક સાવ નિર્દોષ નાગરિકની હત્યાથી યુપી પોલીસના હાથ કલંકિત થયા. આ પ્રકરણમાં ભગવાધારી મુખ્યમંત્રીએ પહેલાં જાણે કે કાંઈ બન્યું જ નથી એવું સ્ટેન્ડ લીધું. દરમિયાનમાં તેઓ વારંવાર એવું બોલ્યા કે એન્કાઉન્ટરની નીતિ રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે યોગ્ય છે પરંતુ વિવેક તિવારી એક નાનો માણસ હતો અને સજ્જન તથા બૃહદ મિત્રવર્તુળ ધરાવતો હતો.
ટૂંક સમયમાં જ એની હત્યાએ આખા ઉત્તર પ્રદેશમાં ઉત્પાત પછી મુખ્યમંત્રી યોગીએ પેલા પોલીસને સસ્પેન્ડ કર્યો. ખરેખર આ ઘટના રાતોરાત નથી બની. ઉત્તર પ્રદેશની પોલીસને આદિત્યનાથે જે છુટ્ટો દોર આપ્યો એનાથી યુપીમાં અપરાધીકરણ તો ઓછું થયું નથી, ઉલટાનું પોલીસતંત્રમાં અપરાધીકરણ પ્રવેશી ગયું છે.એક ઊંટ કાઢવા જતાં એ ઊંટ તો રહ્યું ઉપરાંત બીજું ઊંટ પ્રવેશી ગયું. કારણ કે પોલીસને ગોળી ચલાવીને ફેંસલો સંભળાવી દેવાની જે સત્તા આદિત્યતંત્રએ આપી તેના રાજ્યમાં ભયાનક પરિણામો દેખાવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશની પોલીસે છેલ્લા દોઢ વરસમાં ઉપરાઉપરી એન્કાઉન્ટરો કર્યા છે. વ્યર્થ ફોજદારીના રૂઆબમાં યુપી પોલીસનું અભિમાન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. લખનૌની ઘટના પછી આદિત્યગામી એક પ્રધાને તો એમ જાહેર કર્યું કે પોલીસની ગોળી તો ગુનેગારને જ વાગે છે.
એનાથી ફરી ઉત્તર પ્રદેશમાં દેખાવો થયા, રેલીઓ નીકળી અને ભાજપ સરકાર પરત્વેની અપ્રિયતા વધી. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે ઉત્તર પ્રદેશના કુલ સોળથી વધુ એન્કાઉન્ટરોની નવેસરથી તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. યુ.પી. પોલીસને એન્કાઉન્ટર દ્વારા બઢતી અને પુરસ્કારો મેળવવાનો પણ ચસકો લાગ્યો છે. યોગી આદિત્યનાથ ભગવા ઓછા ખાખી વધુ હોય એવી લોકોમાં છાપ પડી છે કારણ કે છેલ્લા સપ્તાહમા બે હિન્દુ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા- મૂર્તિ પ્રતિષ્ઠા વિધિમાં જવાનો છેલ્લી ઘડીએ ઇન્કાર કરી દીધો હતો અને એ જ દિવસોમાં તેઓ ત્રણ નાના નાના પોલીસ સ્ટેશનના નવા મકાનના લોકાર્પણમાં સમયસર પહોંચી ગયા. આજકાલ મુખ્યમંત્રી યોગી અયોધ્યામાં રામ મંદિર કરવા સંદર્ભે પણ સતત વિવાદાસ્પદ બયાનબાજી કરી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ તેઓનો પ્રચાર કાર્યક્રમ જો ગોઠવાશે તો તેમની હવે લથડતી જીભ ભાજપને પૂરેપૂરું નુકસાન કરશે.
જો કે ભાજપની પ્રવૃત્તિઓ અને નીતિ જ એવી થઈ ગઈ છે કે એને હવે હરીફો કે શત્રુઓની જરૂર નથી. ભાજપના પોતાના જ જ ભાજપને ભારે પડી રહ્યા છે. જે આદિત્યનાથ એક સમયે ભાજપના સ્ટાર પ્રચારક ગણાતા હતા. તેમની જિહવા વારંવાર લપસતી રહેવાથી એમનો સિતારો હવે આથમવા લાગ્યો છે. યોગી માટે સૌથી મોટુ સંકટ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ છે. એમની હાલત ભાજપમાં રહેવું ને સંઘ સાથે વેર કરવાની છે, કારણ કે શરૂઆતથી ગુરુ ગોરખનાથ ગાદી સંસ્થાનના સેવકો- કાર્યકરો અને સંઘના પરિચાલક પરિબળો વચ્ચે સંઘર્ષ થતો આવ્યો છે. હવે એ સંઘર્ષ આગળ વધી ગયો છે અને સંઘના કાર્યકરો અને ગાદી સંસ્થાનના સેવકો પોલીસ સ્ટેશન તથા અદાલતના ધક્કા ખાવા લાગ્યા છે.
આદિત્યનાથે અખિલેશ યાદવના સત્તાકાળની ઘણી ફાઇલો ઉથલાવી પરંતુ દેશભરનું ધ્યાન દોરી શકાય કંઈ એમને હાથ લાગ્યું નહિ. ક્યાંક થોડાક કરોડ રૂપિયાનું ઓવર પેમેન્ટ અખિલેશ સરકારે કર્યું હતું જે નોટિસો આપવાથી બિલ્ડરોએ સરકારી તિજોરીમાં પાછું જમા કરાવી દીધું છે. યોગીની દિનચર્યા અને તેમના કાર્યક્રમો આજકાલ એવા થઈ ગયા છે જાણે કે તેમની પાસે કોઈ એજન્ડા જ નથી. ઉત્તર પ્રદેશનું પ્રવાસન પણ આડેધડ છે. પોતે સત્તા પર આવ્યા ત્યારે જે વિઝનરી વાતો કરતા હતા એમાંનો કોઈ અમલ શરૂ થયો નથી. જ્યારે યોગીને અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે તેઓ પક્ષને આગળ ધરે છે. યશ પોતે લેવા ચાહે છે અને બદનામી ભાજપના ભાગે ટ્રાન્સફર કરે છે, જો કે એ તો ચિલો જ પડી છે, કારણ કે ભાજપનો ભાર બની ગયેલા આવા બહુસંખ્ય નેતાઓ હજુ ભાજપમાં વિદ્યમાન છે.

Latest articles

બાંગ્લાદેશ હવે ધણીધોરિ વગરનો દેશ થશે પછીએને લૂંટવા માટે ચીન ને પાકિસ્તાન પડખે ચડશે

ભારતની જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો બાંગ્લા લોકોના આંતર કલહનો લાભ લઈને પોતાની...

મહુવામાં ગંદકીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા

મહુવા, શિક્ષણનું જ્ઞાન લેવા સામે શાળા એ આવતા જતાં બાળકોનું સ્વાસ્થ્ય ગંદકીને કારણે બગડી જાય...

પોલીસે કાયદાની પ્રક્રિયા પ્રયાણે કામ કર્યુ છે, વિડીયોમાં દેખાય છે કે આરોપી કેવી રીતે ઉપસ્થિત છે : એસપીશ્રી સંજય ખરાત

અમરેલી, અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ આવતા પોલીસ તપાસ દરમિયાન કેટલાક આરોપીઓની...

એસએમસીએ એક વર્ષમાં લુખ્ખાઓનાં દાત ખાટા કરી નાખ્યાં

અમરેલી, અમરેલી ફરજ બજાવી ચુકેલ અમરેલીનાં તત્કાલીન એસપી અને હાલ સ્ટેટ મોનીટરીંગ સેલમાં નાયબ મહાનિર્દેષક...

Latest News

બાંગ્લાદેશ હવે ધણીધોરિ વગરનો દેશ થશે પછીએને લૂંટવા માટે ચીન ને પાકિસ્તાન પડખે ચડશે

ભારતની જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો બાંગ્લા લોકોના આંતર કલહનો લાભ લઈને પોતાની...

મહુવામાં ગંદકીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા

મહુવા, શિક્ષણનું જ્ઞાન લેવા સામે શાળા એ આવતા જતાં બાળકોનું સ્વાસ્થ્ય ગંદકીને કારણે બગડી જાય...

પોલીસે કાયદાની પ્રક્રિયા પ્રયાણે કામ કર્યુ છે, વિડીયોમાં દેખાય છે કે આરોપી કેવી રીતે ઉપસ્થિત છે : એસપીશ્રી સંજય ખરાત

અમરેલી, અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ આવતા પોલીસ તપાસ દરમિયાન કેટલાક આરોપીઓની...