ખરા શિયાળાની શરૂઆત થવાની તૈયારી છે અને બપોરે પણ ઉત્તર-દક્ષિણના સૂસવાટા મારતા પવનોને કારણે બજારના કામકાજમાં પણ ઠંડક દેખાય છે. ઉત્તર ભારતમાં શાળાઓ સૂમસામ છે અને પ્રવાસપ્રિય ગુજરાતીઓ લાંબા સમયથી ઘરઘરમાં ઘરઘર રમીને છુપાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં હવે બરફ વર્ષા ચાલુ થઈ છે. ઘણા વર્ષો પછી આ વખતે શિયાળો સોળે કળાએ ખીલવાનો છે. પણ હજુ થોડી વાર છે. માત્ર ભારતમાં જ નહીં, યુરોપ, અમેરિકા સહિત સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં શિયાળાનું અવિચ્છિન્ન સામ્રાજ્ય છવાઈ જવાનું છે.
હવામાનશાસ્ત્રીઓ આ વખતના આગામી અર્ધવૈશ્વિક શીતકાળ માટે ધ્રુવ પ્રદેશોના બર્ફિલા તોફાનોને જવાબદાર માને છે. અગાઉ પણ આવા અઘરા શિયાળા આવેલા છે. આર્કટિક પ્રદેશમાં પુનરપિ પોલર વોર્ટેક્સને કારણે હવામાં થતાં પરિવર્તનોથી આ વખતે દુનિયાના ઉત્તરીય ભાગમાં ઠંડીનો પ્રકોપ વધવાનો છે પણ મોડેથી. શિકાગોમાં તો ઉષ્ણતામાન માઈનસ 30 ડિગ્રીથી વધુ નીચે જશે.
આપણે ત્યાં જમ્મુ – કાશ્મીરમાં અને કચ્છમાં પણ આ શિયાળામાં ઉષ્ણતામાનનો પારો વારંવાર શૂન્યથી નીચે જશે. આપણે ત્યાં સરકાર અને હવામાન વિભાગને એની જવાબદારીઓનું કોઈ વિશેષ ભાનસાન નથી. ગુજરાતમાં ભાજપનું શાસન એટલું લાંબુ ચાલ્યું છે કે તમામ વિભાગોમાં હોતા હે ચલતા હૈ જેવી પોલીસી છે. દર વરસે શિયાળામાં રાજ્યના આરોગ્યથી મુખ્ય સુઘીના કોઈ પણ પ્રધાન શિયાળાની ઠંડીમાં ઉપર આભ અને નીચે ધરતી જેવી રાત્રિઓ પસાર કરનારા નાગરિકો પર એક પણ શબ્દ ઉચ્ચારતા નથી.
રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અનેક જાહેર સ્થાનોમાં પડયા રહેતા પીડિતોને સરકારે ટૂંકા પનાની એક શાલ પણ કદી ઓઢાડી નથી. તેઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં શિયાળાની આપદાઓને બાકાત રાખી છે. દર વરસે શિયાળામાં ધ્રુજતા હાડ અને હૈયાંઓને સરકારની હૂંફની જરૂર હોય છે.
ગયા વરસે ગુલમર્ગમાં ભારે બરફ વર્ષા થઈ હતી. અમેરિકામાં પણ ત્યારે ઇલિનોઇસ, વિસ્કોન્સિન, જ્યોર્જિયા વગેરે શહેરોમાં જે બરફ વર્ષા થઇ તેનાથી અમેરિકા હેબતાઈ ગયું હતું. જે ગ્લોબલ વોર્મિંગથી લોકો સૌથી વધુ ડરતા હતા તેની હવેના આ વખતના શિયાળામાં પણ તાતી જરૂર પડવાની છે. પર્યાવરણ સંબંધિત અનેક બહુરાષ્ટ્રીય કરારોમાં અમેરિકાએ પાછીપાની કરી છે. એ વાત અલગ છે કે કોઈ પણ મોસમની અનિયંત્રિત ગતિમાં આખરે તો ગ્લોબલ વોર્મિંગ જ મળી આવે છે.
સર્વ પ્રકારના સુખ હોય પણ આરોગ્ય ન હોય તો એનો શો અર્થ છે? હવે જે મોસમના અવનવા રંગપલટાઓ માણસજાતે ભોગવવાનાં આવ્યા છે એ પલટાઓ માણસને જંપ લેવા દે એમ નથી. દરેક મોસમમાં થોડી એવી વિચિત્રતા ઉમેરાઈ ગઈ છે કે આરોગ્ય પછડાટ ખાય છે. અને એ જ તો પર્યાવરણની ઉપેક્ષા બદલ માનવવંશને મળતી સજા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી દેશની પ્રજાને ચોમાસામાં પણ એવો અનુભવ થાય છે કે જ્યાં કદી પણ જળપ્રલય કે પૂર ન હતા ત્યાં એકાએક વરસાદી જળ ફરી વળ્યા હતા. ઠંડીના લોકાનુભવ વિશે આયુર્વેદાચાર્યો અને તબીબોનો તો વળી સાવ જુદો જ મત છે. તેઓ કહે છે કે ઠંડી તો હોવી જોઈએ એટલી જ હોય છે, પરંતુ ખોરાકી પ્રદૂષણને કારણે માનવ શરીર એનો આનંદ લઇ શકતા નથી. ફાસ્ટફૂડ અને બહારના તૈયાર મીઠા-મધુરા, ચટપટા અને અટપટા ખોરાકને કારણે પ્રજાની મોસમ માણવાની ક્ષમતા માઈનસ થઈ ગઈ છે.
જ્યાં સુધી ખોરાકની ’ડિઝાઇન’ નહિ બદલાય ત્યાં સુધી એટલે કે કોરોના પછી પણ દેશની તમામ હોસ્પિટલો છલકાતી રહેવાની છે. કોરોના સંક્રમણ અંગે આયુર્વેદ નિષ્ણાતોએ તો અગાઉ જ કહ્યું છે કે જેઓ બહારનો ચટપટો ખોરાક લેતા નથી એમની ઈમ્યુનિટી સારી હોય છે અને એથી એમને કોરોના થવાના ચાન્સ ઓછા રહે છે.
સામાન્ય રીતે જ્યારે શિયાળામાં ઠંડી વધારે પડે છે ત્યારે એને અનુસરીને આવતો ઉનાળો પણ ધોમ ધખાવે છે. એટલે જેમ આ વખતે ચોમાસુ ધમધોકાર રહ્યું એમ શિયાળો કાતિલ હશે અને એના પછીનો ઉનાળો પણ ઊંચા ઉષ્ણતામાનનો અનુભવ કરાવશે. હવેના વરસોની મોસમો થોડી જુદા પ્રકારની હોવાની. એ માટે સરકારે અને કેટલાક સામાજિક સંગઠનોએ પણ જાગૃત રહેવું પડશે. કારણ કે જ્યાં સુધી મોટી જાનહાનિ ન થાય ત્યાં સુધી સરકારનું તો આ પ્રકારનાં સંકટ પર ધ્યાન જ જતું નથી. એટલે સેવાભાવી સંગઠનોની પણ એ જ ફરજ બની રહે છે કે ઓળખી ન શકાય તેવી આ પ્રકારની પ્રજા પર આવી પડેલી કોઈ પણ હવામાન સંબંધિત આપત્તિમાં પણ તે પ્રજાની પડખે રહે.