બગસરા, કુંડલા સહિત જિલ્લાભરમાં રામનવમી ઉજવવા તૈયારીઓ

બગસરા, કુંડલા સહિત જિલ્લાભરમાં રામનવમી ઉજવવા તૈયારીઓ

અમરેલી,
દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિતે ભગવાન શ્રી રામને વધાવવા ઉત્ત્સાહ સાથે બગસરા, સાવરકુંડલા સહિત જિલ્લાભરમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. રામનવમી ઉજવવા ભારે થનગનાટ જિલ્લાભરમાં જોવા મળે છે. બગસરામાં લોહાણા મહાન વાડી ખાતે અઢારેય વરણની મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17નાં રોજ રામનવમી ઉજવાશે. તે કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરી હતી. જેમાં સવારે પ્રભાત ફેરી બગસરા ગોકુળપરા રામદેવપીર મંદિરેથી પ્રસતાન કરી અને સમગ્ર બગસરામાં ફરી જૈન ભોજન શાળા પાસે આવેલ સીયારામ ધુન મંડળ ખાતે પ્રભાત ફેરી પૂર્ણ થશે ત્યાર બાદ મહા આરતી કરવામાં આવશે અને બગસરાના દરેક મંદિરોમાં આરતી કરવામાંમાં આવશે અને બપોરે 12કલાકે શ્રીરામલલ્લા પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે અને બપોરે બે કલાકે રામદેવપીર મંદિરેથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે બગસરાના મુખ્ય માર્ગો મુખ્ય ચોકમાં થઈ શ્રી ગિગેવધામ ગ્રાઉન્ડમાં પૂર્ણ કરશે જ્યાં સંતો મહંતો દ્વારા ધર્મ સભા યોજાશે ધર્મસભા બાદ ગિગેવ ગ્રુપ દ્વારા ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ બેઠકમાં બગસરા શ્રીઆપાગીગા ગાદી મંદિરના કોઠારી હરીબાપુ બગસરા નૂતન સ્વામી નારાયણ મંદિરના સ્વામી નિરગુણ સ્વામી બગસરા શ્રીઅમર અજર હનુમાનજી મંદિરના મહંત બ્રહ્મચારી બાપુ બગસરા ગોકુળપરા શ્રીરામદેવપીર મંદિરના મહંત ઘુસાભગત હરિગીરી બાપુ સહિત જાહેર સંસ્થાના આગેવાનો સહકાર ક્ષેત્રના આગેવાનો સહિત બગસરાના અઢારેય વરણના આગેવાનો.હાજર રહ્યા હતા અને દાનની જાહેરાત કરી હતી. એજ રીતે સાવરકુંડલામાં આજ દિન સુધી ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવે છે આ વર્ષે રામનવમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવા માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સાવરકુંડલા ખાતે કાર્યાલયનું ખુલ્લુ મુકવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરાયું હતું. અને શ્રીહનુમાન ચાલીસાના પાઠનું સંગીતમય શૈલીમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા તાલુકાના અને શહેરના સનાતની ભાઈઓ, બહેનો, શહેરીજનો અને વિવિધ મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલાના તમામ સમાજ,સંસ્થાઓ અને મંડળો દ્વારા શોભાયાત્રા રૂટ પર શરબત છાશ લચ્છી તેમજ પાણી અને અન્ય સામગ્રી ના સ્ટોલ ઉભા કરવામાં આવશે સાથે સુશોભિત ટેકટર, વિવિધ ઢોલ નગારા અને શંખનાદ સાથે સંગીતમય ભજન મંડળીઓ, કલાકારો તેમની કલાઓ પ્રદર્શિત કરવામાં આવશે અને દેશી અખાડાના ઝાકીના દર્શન પણ થશે તેમજ શોભાયાત્રા ના રૂટ પર વિવિધ મંડળો દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. તેમ આયોજકોએ જણાવ્યું