અમરેલીમાં માર્ગ સલામતી માસનો પ્રારંભ

અમરેલી ,
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત શુક્રવારે અમરેલી જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલ સમારોહમાં અમરેલી શહેરની વિવિધ 12 શાળાના અંદાજિત 1200 જેટલા વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં અકસ્માત નિવારવાના ઉપાયો તેમજ ટ્રાફિકના વિવિધ નિયમો અંગે આર.ટી.ઓના અધિકારીશ્રીઓએ માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ’અમરેલી જિલ્લામાં ટ્રાફિક અને માર્ગ સલામતીની સમીક્ષા કરવા માટે માર્ગ સુરક્ષા સમિતિ કાર્યાન્વિત છે. આ સમિતિ જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા તેમજ સ્થળોની સમીક્ષા કરે છે તેના આધારે સાઇનેજ, ક્રેશ બેરિયર, એન્જિનિયરીંગ સહિતના મુદ્દે પગલાઓ ભરે છે. અમરેલીમાં સૌના સહિયારા પ્રયાસોથી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.’ આ પ્રસંગે માર્ગ સુરક્ષા અંગે અસરકારક કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટરશ્રીએ સમિતિની કામગીરીને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંદેશો આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, નાની નાની બાબતોની ઉપેક્ષા કરવાથી અકસ્માતો થતા હોય છે. મોટા શહેરોમાં ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે ટ્રાફિક સિગ્નલ હોય છે. આવા સિગ્નલોની વિવિધ કલરની લાઇટના નિયમો, ઝેબ્રા ક્રોસિંગના નિયમો પાળવા જોઈએ. રોંગ સાઈડમાં વાહન હંકારવાના દૂષપરિણામો આવી શકે છે. આ ઉપરાંત જે વાહન ચલાવો છો તેનું ફીટનેસ પણ ચકાસતું રહેવું જોઈએ. ઘણી વખત વાહનના ફીટનેસના કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. બીજાને નુકસાન ન પહોંચે અને ખુદને નુકસાન ન થાય એવી શૈલીનું ડ્રાઈવિંગ કરવું જોઈએ. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ આર.ટી.ઓ.ને ટ્રાફિકના વિવિધ સાઇનેજીસ અંગે વિદ્યાર્થીઓને વિગતવારે સમજણ પૂરી પાડવા માટે સૂચન કર્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે એ.આર.ટી.ઓ.શ્રી પઢિયારે સ્વાગત પ્રવચન તેમજ ટ્રાફિકના નિયમોની જાગૃતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, માર્ગની મર્યાદાથી વધુ ઝડપે વાહન હંકારવાથી, વાહન ચલાવતા સમયે મોબાઈલ ઉપકરણોના ઉપયોગથી, બે વાહન વચ્ચે સલામત અંતર ન જાળવવાથી, રેડલાઈટના નિયમોનો ભંગ કરવાથી, ઉપરાંત નશો કરીને વાહન હંકારવાથી મોટાભાગે અકસ્માતો થાય છે. આ ઉપરાંત વાહન હંકારતી વેળાએ આવેશમાં આવીને વધુ ઝડપે વાહન હંકારવાથી પણ અક્સમાતો થતા હોય છે. વિદ્યાર્થીઓ જ્યારે લાઈસન્સ મેળવી અને વાહનચાલક બને ત્યારે તેમણે આ અંગેની પૂરતી તકેદારીઓ રાખવી જોઈએ.કાર્યક્રમમાં લાયન્સ ક્લબ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડની સૂરાવલીએ જિલ્લા કલેક્ટરશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માર્ગ સલામતી અને સુરક્ષા ક્ષેત્રે ઉતકૃષ્ઠ કામગીરી કરનારી શાળાઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સેન્ટર પોઈન્ટ પરિસરમાં આર.ટી.ઓ. દ્વારા માર્ગ સુરક્ષાના નિયમો અને જાગૃતિને લગતા પોસ્ટર્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચાવડા, ઇન્ચા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જોષી , સિટી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી વાઘેલા, આર.ટી.ઓ અને પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, શાળાના શિક્ષકો, વિવિધ સંગઠનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા