2024-25ના વર્ષના રજૂ કરેલા રાજ્યનાં બજેટને આવકારતા સાંસદ શ્રી કાછડીયા

અમરેલી,
અમરેલીના સંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ગુજરાતના વર્ષ 2024-25ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે. સાંસદશ્રીએ નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને આવકારતા કહ્યું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે. તેમણે ઉમેર્યું હતું કે ગયા વર્ષે ઐતિહાસિક રૂપિયા 3 લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું. આ વર્ષે ફરી એકવાર તેમાં 10 ટકાનો વધારો કરીને 3 લાખ 32 હજાર કરોડની માતબર જોગવાઈઓ વાળું બજેટ જનતા જનાર્દનની સેવામાં અમે લાવ્યા છીએ.2022-23ના હિસાબ ફાઈનલ થયા છે, તે મુજબ રાજ્યનું કુલ દેવું જી.એસ.ડી.પી.ના 15.17 ટકા છે. પાછલાં દસ વર્ષનું આ સૌથી ઓછું દેવું છે અને દેશનાં સૌથી ઓછું દેણું ધરાવતાં ત્રણ મોટાં રાજ્યોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે. ગુજરાતના ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ મુજબ વિધાનસભાએ રાજ્ય સરકારને જી.એસ.ડી.પી.ના 27 ટકા સુધી દેવું વધારવા માટે છૂટ આપેલી છે. આમ છતાં ગુજરાત સરકારે માત્ર 15.17 ટકાનો જ ઉપયોગ કર્યો છે. દેશના 21 રાજ્યોમાં આ આંકડો 27 ટકાથી વધારે છે, ત્યારે ગુજરાતે નાણાંકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેનું તેમણે ગૌરવ કર્યું હતું.અંતે સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ 2047નું દિશાદર્શન કરનારું અને વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું મહેસૂલી પૂરાંતવાળું બજેટ આપવા બદલ સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરી, અભિનંદન પાઠવ્યા