રાજકોટમાં સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું

રાજકોટમાં સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું

રાજકોટ બેઠક ઉપર ચાલતા વિવાદ દરમિયાન સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે. આ અંગે કાઠી ક્ષત્રિય સમાજે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી છે. રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે આ પત્રકાર પરિષદ યોજાઈ હતી.
કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને આ નિર્ણય લેવામાં કોઈ જાતનું દબાણ નથી, સૌએ મળીને નિર્ણય લીધો છે. જયારે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવે ત્યારે બાકી બધા જ પ્રશ્નો ગૌણ બની જાય છે. પીએમ મોદીએ જે ઉમેદવાર ઉભા રાખ્યાં છે એમને જીતાડવા આમારો ધર્મ છે. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે અને રહેશે. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા હિન્દુત્ત્વ સાથે રહ્યો છે.
કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે અને એ વિવાદ માફી સાથે જ પૂરો થાય છે. ચોટીલા, અમરેલી, બોટાદ, રાજુલા, રાજકોટ, જુનાગઢ સહિતના કાઠી ક્ષત્રિય આગેવાનોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.