અમરેલી જીલ્લાના ચાર કરોડ ઉપરાંતના ફ્રોડની તપાસ સીઆઈડીને સોંપાઈ

અમરેલી
અમરેલીમાં લાંબા સમયથી ચર્ચામાં રહ્યા બાદ બે મહિના પહેલા સંભવિત કરોડો રુપિયાના ટ્રેડિંગ અને કરોડોની રકમના કોઈપણ પ્રકારના કાગળ વગર હવાલો કૌભાંડમાં પ્રથમ વખત જ ભોગ બનેલી એક મહિલા દ્વારા સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર કૌભાંડ ની તપાસ રાજ્યના ગ્રહો વિભાગ દ્વારા સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે.
આ અંગે મૂળ બાબાપુર ગામના વતની અને હાલમાં અમરેલીમાં રહેતા ભાવનાબેન હિતેષભાઈ જોષીએ સાયબર પોલીસમાં બે મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી કે આજથી દોઢ વર્ષપહેલા અમરેલીની પ્રત્તાપપરા પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજ વઘાસીયા દ્વારા શેર બજારમાં લીસ્ટેડ કંપનીની એપ્લીકેશનમાં રોકાણ કરવા માટેનું કહ્યું હતું અને સમગ્ર રેકેટના મુખ્ય વ્યક્તિ અમદાવાદના ગૌરવ સોજીત્રા, ભાવનગરના રવિરાજસિંહ વાઘેલા, શક્તિસિંહ વાઘેલા, સાવરકુંડલાના કેતન વાટલીયા, પાલિતાણાના અક્ષરસિંહ વાઘેલા અને સુરતના ઉમેરાભાઈ લોડાલીયા સાથે સંપર્ક કરવાયો હતો અને રાઈટએફએક્સ નામની એપ માટે અલગ અલગ તારીખ અને સમયે રોકડા તો ક્યારે ગુગલ પે વગેરેથી ચૂકવી કુલ રૂ. 32 લાખની રકમ રોકાવી હતી પણ તે પછી કશું જ વળતર ન ચૂકવી એપ્લીકેશન બંધ કરી દઈને કે કોઈપણ રીતે ઠગાઈ કર્યાની સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ ઘટના અંગે ભોગ બનેલા લોકોએ જણાવ્યું હતું કે, અમરેલીમાં આ રીતે આ એક મહિલા જ નહીં પણ ઘણા લોકો ભોગ બન્યા છે અને આ આરોપી હસ્તક લગભગ રૂ. 200 કરોડ જેટલી મોટી રકમનું રોકાણ થયેલું છે. આરોપીઓ દ્વારા શરુઆતમાં ઊંચી રકમનું વ્યાજ આપવામાં આવતું હતું. અમુક દસેક લોકો એવા પણ છે જે એક વ્યક્તિ દ્વારા જ રૂ. 40થી 50 લાખની રકમનું રોકાણ કરવામાં આવેલું છે. આ રોકાણ ટ્રેડિંગના નામે થતું હતું અને મોટા ભાગની કરોડોની રકમ કોઇપ પ્રકારના કાયદેસરના કરાર, બીલ આધાર વગર માત્ર રોકડેથી કે હવાલાથી લેણદેણ થતી હતી.આ અંગે અમરેલીના પોલીસવડા શ્રી હિમકરસિંહ એ જણાવ્યું કે, કોઈપણ ચાર કરોડ કે તેથી વધારે રકમ નો કૌભાંડ કે હોય તો તેમાં સીઆઇડી દ્વારા તપાસ કરવામાં આવે તેઓ નિયમ છે. આથી આ સમગ્ર પ્રકરણમાં ગૃહ વિભાગ દ્વારા આ કેસની તપાસ સીઆઇડીને સોંપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. અગાઉ આ ઘટનાની તપાસ ચલાવી રહેલા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ ડીવી પ્રસાદે જણાવ્યું કે આ કેસમાં સાત લોકો સામે જે તે સમયે મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે પછી જુદા જુદા સાહેદો પોતે ભોગ બનાવવાની ફરિયાદ પોલીસને મળી હતી આ રીતે કુલ 20 લોકો પાસેથી પાંચ કરોડથી પણ વધારે ની રકમ મેળવી હોવાનું પોલીસને આધાર પુરાવા સાથે મળ્યું છે. આ સિવાયના બીજા પણ લોકો ભોગ બન્યા હોવાની શક્યતા છે જેની તપાસ હવે સીઆઇડી ચલાવશે.