સાવરકુંડલા શહેરમાં મકરસંક્રાંતિની પૂર્વ તૈયારીઓમાં સાવરકુંડલાવાસીઓ વ્યસ્ત જોવા મળ્યા

સાવરકુંડલા શહેરમાં નગરજનો આવતીકાલે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાન પૂણ્ય અને પતંગોત્સવ માટે સજજ થતાં જોવા મળ્યાં હતાં. શહેરમાં આ પર્વ ઉજવવા માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં જ્યાં જૂઓ ત્યાં વિવિધ રંગોથી દોરીઓને માંજવાની ભરપૂર તૈયારીઓ જોવા મળી રહી છે. આવતીકાલની તમામ તૈયારીઓ આજરાત સુધીમાં આટોપી લેતી ગૃહિણીઓ પણ તલની ચિક્કી, શીંગની ચિક્કી કે દાળિયાની ચિક્કી , મમરાના લાડું ઘરે બનાવવામાં વ્યસ્ત છે. જે ઘરે નથી બનાવતાં એ શહેરની દુકાનોમાંથી મકરસંક્રાંતિ નિમિત્તે બનેલી તૈયાર ખાદ્ય ચીજો ખરીદતાં જોવા મળે છે.
તો મોટા ભાગના ફરસાણ વેચાણ કરતાં દુકાન ધારકો પણ આવતીકાલના ઉંધીયા, દૂધપાક, સમોસા જેવી ખાદ્ય વાનગીઓ બનાવવાની પ્રારંભિક તૈયારીઓ તો આજ રાતથી શરૂ થઈ જશે. પતંગની દુકાનોમાં રંગબેરંગી પતંગો, દોરા, ફિરકીઓ તથા પતંગ ઊડાડતી વખતે આંગળીઓને ધારદાર દોરીઓથી ઈજા ન પહોંચે એટલા માટે રબરની ફિગર્સ પણ પતંગ રસિયાઓ ખરીદતાં જોવા મળે છે. તો વળી વિજય ઘોષ કરવા માટે કે અન્ય પતંગ રસિયાઓને પાનો ચડાવવા માટે એ કાપ્યો.. ઢીલ દે, ઢીલ દે.. એ ખેંચ.. વગેરે નારાઓના પ્રતિકાત્મક રજૂઆત માટે વિવિધ અવાજ કાઢતાં પિપૂડાઓ પણ ખરીદતાં જોવા મળે છે. જાતભાતના મહોરાઓ પણ ચહેરાને છૂપાવવા માટે ખરીદતાં હોય છે. તો અગાસી પર આવતીકાલે સંગીતની રેલમછેલ કરવા માટે પોતાના ધ્વનિ ઉપકરણો મ્યુઝિક સિસ્ટમ અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ બરોબર ચાલે છે કે નહીં તે ચકાસતાં જોવા મળે છે. જો કે આવતીકાલે પતંગ ઊડાડતી વખતે અથવા તો બઝારમાં નીકળતી વખતે ગળા આસપાસ મફલર વિટાળવું જરૂરી છે. નાના ભૂલકાઓની આ પતંગોત્સવ પર્વ નિમિત્તે ખાસ સંભાળ રાખવી. આ દિવસ દરમિયાન પતંગની દોરી કે ગૂંચ અટવાઈને ખેંચતાં ક્યાંય પણ જીઈબીના થાંભલાના વાયરો છૂટ્ટા જમીન પર રસ્તામાં પડેલા જોવા મળે તો તેને અડકવું નહીં. તેમજ કોઈ પક્ષી કે મૂંગુ પ્રાણી દોરી વાગવાને હિસાબે ઘાયલ થયેલું જોવા મળે તો સંલગ્ન તંત્રને કે આ દરમિયાન કાર્યરત સેવા કરતી સંસ્થાઓને ફોન પર સંપર્ક કરવા વિનંતી પણ અમુક સેવાકીય સંસ્થાઓ કરતી હોય છે. આમ સાવરકુંડલા શહેરમાં આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની ખૂબ જ ભાવપૂર્વક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે.