સાસણને ટક્કર મારે તેવો બન્યો ધારીનો આંબરડી પાર્ક

અમરેલી ,
અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે. ગીરની એક આગવી ઓળખ એટલે સિંહનો આ વિસ્તારમાં વસવાટ ! દર વર્ષે જિલ્લાના ધારી તાલુકાના આ આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. આ સફારી પાર્કમાં વિવિધ પ્રકારના આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગીરનું કુદરતી સૌંદર્ય અને ગીરના ડાલામથ્થા સિંહ પ્રવાસીઓને આકર્ષે છે. વેકેશન દરમિયાન વિવિધ રાજ્યો અને વિવિધ દેશના પ્રવાસીઓ ગાંડી ગીરમાં મહેમાન બનીને ગીરના અદભૂત સૌંદર્યને માણે છે. આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારના પ્રવાસન અને વન, પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું હતું. રુ. 21.63 કરોડના ખર્ચે બે ફેઝમાં રિસેપ્શન ડેસ્ક, ઇન્ટર પ્રિટેશન સેન્ટર, સોવેનિયર શોપ, વેઇટીંગ એરિયા, ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગની વ્યવસ્થા, વેઇટીંગ લોંજ, સેનિટેશન સુવિધા, પાથ વે, સીસીટીવી કેમેરા, આકર્ષક ગેટ સ્ક્લ્પચર સહિતની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. આંબરડી સફારી પાર્ક ખાતે બ્રોન્ઝ લાયન સ્કલ્પચર, મેટલ સિંહ અને હરણનું સ્કલ્પચર, એમ્ફી થિયેટર સહિત વિવિધ પશુ-પક્ષીઓના સ્કલ્પચર પણ પ્રવાસીઓ માટે આકર્ષણ બનશે. આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારી-બગસરાના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા. આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે પ્રવાસન અને વન, પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યુ કે, ગુજરાત રાજ્ય સરકાર વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસકાર્યો માટે કાર્યરત છે. ગુજરાત એ વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે. આંબરડી સફારી પાર્ક રાજ્યનું ગૌરવ છે, પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત પ્રવાસનની દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. રાજ્ય સરકારે પ્રવાસનની સુવિધાઓમાં ઉમેરો થાય અને તે વિકસિત થઈ શકે તે માટે વધુ અનુદાન ફાળવવા માટે વ્યવસ્થા કરી છે. મંત્રીશ્રીએ આંબરડી સફારી પાર્ક અને તેની વિશેષતાઓ વિશે નાગરિકો જ્ઞાત થાય તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં પ્રવાસન સ્થળોના તબક્કાવાર વિકાસની ગુજરાત રાજ્ય સરકારની નેમ છે. આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારી તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, વન સંરક્ષક શ્રી ઝાલા, નાયબ જિલ્લા પોલીસ અધિકારી શ્રી વોરા, એ.સી.એફ શ્રી ત્રિવેદી સહિત વન વિભાગ ધારી પૂર્વના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ અને નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા