લાઠીનાં હરસુરપુરમાં પવનચક્કીને બે દિવસનું અલ્ટીમેટમ

અમરેલી,
હરસુરપુર ગામે ખાનગી કંપની દ્વારા જમીનનો વ્યવસાયીક ઉપયોગ કરાતો હોય તેથી શરતભંગ અંગે બે દિવસમાં આધાર પુરાવા કે મંજુરી રજુ કરવા અન્યથા પવનચક્કી બંધ કરવા અને લોક મોડમાં રાખવા લાઠીનાં મામલતદારે આદેશ કર્યો છે. આ અંગે મળેલી વિગતો અનુસાર હરસુરપુર, પુંજાપાદર ગામે ક્લીનમેક્સ કંપની તરફથી ખાનગી જમીન ખરીદીને પવનચક્કી નાખી આઠ લોકેશન પર વિજળી ઉત્પન્ન કરી જીઇબીને વેંચવાનું વ્યવસાયીક પ્રવૃતિ ચાલતી હોય જે પૈકી કુલ ચાર લોકેશનનાં બીનખેતી હુકમો રજુ કરેલ છે. જ્યારે પુંજાપાદર ગામનાં સર્વે નં.121/33/73/195ની જમીનની મંજુરી મેળવેલ ન હોય તાત્કાલીક ધોરણે પવનચક્કીઓ ફ્રીઝ મોડમાં રાખવા અને વ્યવસાયીક ઉપયોગ બંધ કરવા નોટીસ આપેલ જે અંગે સત્તાધીકારીની પરવાનગી મેળવી રજુ કરવા બાહેંધરી આપતા નોટીસ પરત ખેંચવામાં આવેલી બાદમાં મુખ્યમંત્રીનાં કાર્યાલય દ્વારા રજુ થયેલ વીજ અરજીઓ કલેક્ટરશ્રીનાં પત્ર બાબતે કાર્યવાહી કરવા સુચના અપાયેલી. પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી જમીનનો બિનઅધિકૃત ઉપયોગ કરી સરકારને નુક્શાન કરેલ હોવાનું ફલીત થાય છે. જેથી બે દિવસમાં પરવાનગી રજુ કરવા જણાવી અન્યથા તેમાં તપાસણી, ચકાસણી હેઠળ પવનચક્કીનો ઉપયોગ ન કરવા, ચાલુ ન કરવા અને વગર પરવાનગીઓ કોઇ પવનચક્કી શરૂ કરેલ હોય તો સ્થગીત કરવા અથવા બંધ કરવા અને પવનચક્કી ફ્રીઝ એટલે કે લોકમોડમાં રાખવા લાઠી મામલતદારે તાકીદ કર્યાનું જણાવ્યું.