બગદાણા ધામના શ્રી મનજીદાદાનો દેહવિલય : ઘેરો શોક

અમરેલી,
દેશ-વિદેશમાં જાણીતા સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તિર્થધામ બગદાણાના બાપા સિતારામ ગુરૂ આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી અને બજરંગદાસ બાપાના અનન્ય સેવક શ્રી મનજીદાદાનું આજે(બુધવાર) સવારે નિધન થયું છે. શ્રી મનજીદાદાના નિધનથી ભાવિકોમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે. તેમના અંતિમ દર્શન માટે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ભાવિકો બગદાણા ખાતે પહોંચી રહ્યા છે.શ્રી મનજીદાદાના પાર્થિવ દેહને આવતીકાલ તા, 15ના બપોર સુધી અંતિમ દર્શનાર્થે રખાશે તેમના પુત્ર શ્રી જનક કાછડિયા દ્વારા જણાવાયું છે કે, મનજીદાદા આજ રોજ (તા.14-02-2024) પરમશકિત પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામેલ છે. પૂજ્ય મનજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણામાં આજે સાંજે 4:00 કલાકથી આવતીકાલ (15-02-2024) બપોરે 3:00 કલાક સુધી રાખેલ છે. ત્યારબાદ પૂજ્ય દાદાની અંતિમ યાત્રા બગદાણામાં આવતીકાલે બપોરે 3:00 કલાકે નીકળશે.પૂજ્ય મનજીદાદા સંત શિરોમણી પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના અનન્ય સેવક હતા. બાપા સિતારામના પરલોક ગમન બાદ તેઓની સ્મૃતિમાં શ્રી મનજીદાદાએ બગદાણામાં ગુરૂ આશ્રમની સ્થાપના કરી હતી. જે હાલ માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં એક પવિત્ર તિર્થધામ બની ગયું છે. બગદાણાના ગુરૂ આશ્રમ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં કોઇપણ નાત-જાતના ભેદભાવ વિના ભાવિકોને ભોજન સ્વરૂપે પ્રસાદ પીરસવામાં આવે છે. અહીંના સ્વયં સેવકોની વ્યવસ્થાની નોંધ સર્વત્ર લેવામાં આવી રહી છે.શ્રી મનજીદાદાના નિધન થયાના સમાચાર સમગ્ર રાજ્ય અને દેશ-વિદેશમાં વાયુવેગે ફેલાઇ ગયા હતા. મનજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં શિષ્યો, અનુયાયીઓ બગદાણા ખાતે પહોંચી રહ્યા છે.મનજી બાપાનો જન્મ 1945 માં બગદાણા ખાતે લેઉઆ પટેલ સમાજ ના કાછડીયા પરિવાર માં થયો હતો..જન્મ થી જ ધાર્મિક સ્વભાવ ગીતા રામાયણ વેદ ઉપનિષદો નું જબરજસ્ત જ્ઞાન..એવા માં બાપા નું બગદાણા આગમન થયું..પ્રથમ આશ્રમ બગડ નદી કાંઠે હનુમાનજી મંદિર પાસે બનાવ્યો..ને બસ ત્યાર થી એની આધ્યાત્મિક ખોજ પૂરી થઈ ને બાપામા તમામ દેવતા નો સાક્ષાત્કાર જોવા મળ્યો. ને એ પૂર્ણ રીતે મન વચન કર્મ થી પૂર્ણ બાપા મય થઈ ગયા…બાપાની હયાતી માં યુવાન વયે મનજીબાપા ને પી.આઈ.તરીકે નો અપોઈન્ટ લેટર આવ્યો મનજીદાદા હરખભેર બાપા પાસે જઈ ને વાત કરી.બાપા ને લેટર હાથમાં આપી ને પ્રણામ કર્યા..બાપા એ મનજી બાપા કઈ કહે એ પહેલાં લેટર ના ટુકડા કરી ને મનજીબાપા સામે જોઈ રહ્યા..ને કહ્યું કે તારે ગુજરાત સરકાર નો નહિ પણ આ આશ્રમ નો ફોજદાર થવાનું છે.. મનજીબાપા કઈ પણ કીધાં વગર બાપા ના આદેશ નો સ્વીકાર કરી પગ માં પડી ગયા .ને એ પછી થી બગદાણા માં સફેદ કપડાં માં સાધુ બની ને જીવન પર્યંત પોતાનું જીવન આ આશ્રમ પાછળ ખર્ચી નાખ્યું.