રાજકોટમાં પ્રચંડ જન સમર્થન મેળવવા શ્રી રૂપાલાનો રણટંકાર

અમરેલી,
રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર શ્રી પરશોત્તમભાઇ રૂપાલા ચુંટણી લડી રહ્યાં છે ત્યારે ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે રાજકોટ મહાનગર ખાતે પ્રમુખશ્રીઓ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જશ્રીઓની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, મહાનગરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી, જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢળીયા સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં બૂથ પ્રમુખશ્રીઓ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.શ્રી પરશોત્તમ રૂપાલાએ આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી સીઆર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં અને સોશિયલ મીડિયા પર સૌરાષ્ટ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા પ્રભાવકો અને સાયબર યોદ્ધાઓની હાજરીમાં રાજકોટ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા સહભાગી થઈને આગામી ચૂંટણીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મોદી અને પ્રજા વચ્ચેના સંબંધને મજબુત બનાવવા તેમજ સરકારની સકારાત્મક બાબતોને જનતા સુધી વધુમાં વધુ પહોંચાડી પ્રચંડ જનસમર્થન મેળવવા સંદર્ભે સંવાદ કર્યો હતો. તદ્દઉપરાંત શ્રી રૂપાલાએ રાજકોટ ખાતે હરિ પ્રબોધનમ ” સત્સંગ સભા ” માં ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે, હું ધન્યતાની અનુભૂતિ કરું છું. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ચરણોમાં જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા પૂજ્ય સંતોના આશીર્વાદ લઈને હરિભક્તો સાથે સ્નેહ મુલાકાત કરી અને સંવાદ કર્યો હતો. અને રાજકોટ ખાતેના પંચાયત નગર મુકામે સ્થિત શ્રી બાલાજી મંદિરમાં પ્રભુના દિવ્ય દર્શન કરી શ્રી પરશોત્તમ રૂપાલાએ રાષ્ટ્રની પ્રગતિ અને નાગરિકોની સુખ-સમૃદ્ધિ માટે અંત:કરણપૂર્વક પ્રાર્થના કરી હતી અને ભાજપનાં પાયાનાં આગેવાન અને મુરબ્બી સ્વ.શ્રી ચીમનભાઈ શુક્લના નિવાસસ્થાને જઈને શ્રીમતી મધુબેન શુક્લના આશીર્વાદ લીધા અને કશ્યપભાઈ તથા સમગ્ર પરિવારની શુભેચ્છા મુલાકાત લઈને ભાવસભર સ્વાદિષ્ટ શિરામણ કર્યું હતું. પ્રેમ, આદર અને આતિથ્ય સત્કાર બદલ શુક્લ પરિવારનો શ્રી રૂપાલાએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. રાજકોટ ખાતે શ્રી મનસુખભાઇ સાવલીયાનાં નિવાસ સ્થાને તેમના પરિવારની શુભેચ્છા મુલાકાત કરી વિવિધ આગેવાનો સાથે શ્રી રૂપાલાએ ગોઠડી કરી હતી.