દેશમાં વધારે પડતી ગરમીને કારણે આ સમુદ્ર મોકલે છે નવા ચક્રવાત ને વહેલું ચોમાસુ

દેશમાં વધારે પડતી ગરમીને કારણે આ સમુદ્ર મોકલે છે નવા ચક્રવાત ને વહેલું ચોમાસુ

હવે વાવાઝોડાની વાતોએ કિસાનોની ચિંતા વધારી છે. ગુજરાતી પત્રકારત્વમાં કૃષિ સભાનતાનો અભાવ છે. આ આવનારા ઝંઝાવાતથી કિસાનોની હાલત શું થશે એ તો કોઈ પૂછતું જ નથી. કચ્છી કેસર હજુ આંબા ઉપર છે. એનું શું થશે? દેશમાં કેરળનું ચોમાસુ આગળ વધવા છે. આંદામાન અને નિકોબારના ટાપુઓ પર ઘટાટોપ વાદળોમાં વિદ્યુલ્લતા ચમકવા લાગી છે. આપણા દેશમાં કિસાનોના નેતાઓ અવારનવાર ઈઝરાયેલના પ્રવાસે જાય છે પરંતુ ત્યાંથી શું શીખીને આવે છે એ એક કોયડો છે. દેશના હજારો માર્કેટ યાર્ડના ચેરમેનો અને વિવિધ પદાધિકારીઓ ઈઝરાયેલ ધક્કા ખાઈ આવ્યા છે.
કોઈ પણ એક દેશની કૃષિ બીજા દેશમાં કઈ રીતે લાગુ થઈ શકે ? કારણ કે દરેક દેશને તેનું પોતાનું આગવું જળવાયુ ચક્ર હોય છે. જુદા જ પ્રકારના મોસમ ક્રમ હોય છે. સમગ્ર દેશમાં આજકાલ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન ( એફપીઓ )ની ધૂમ મચી છે. ભારત સરકારનું આ એક અભૂતપૂર્વ સાહસ છે પરંતુ જો કિસાનો એને કરે તો જ એના સુપરિણામો દેશને મળશે. દેશનું સહકારી માળખું હવે ખખડી ગયું છે અને એને ચલાવનારાઓ જાણે કે ખજાના પર બેઠેલા સાપ જેવા દેખાય છે.
સહકારી ક્ષેત્રમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે અને સહકારી બેન્કોના અસહકારી માલિકો કોણ છે એ નોટબંધી પછી બધાને સમજાઈ ગયું છે. સહકારી ક્ષેત્રમાં રાજકારણ જ વધારે છે અને એથી એના મૂળભૂત હેતુઓ સિદ્ધ થતા નથી. ભારત સરકારે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને એક કંપની તરીકે પ્રોત્સાહન આપ્યું છે. આ એફપીઓનું રજિસ્ટ્રેશન કંપની ધારા હેઠળ થાય છે.
સહકારી ક્ષેત્રનો કાદવ અહીં ઉડે નહિ એટલે સરકારે કિસાનોના આવા નવા પ્રકારના સંગઠનમાં કોર્પોરેટ કલ્ચર દાખલ કર્યું છે. ગુજરાતમાં વધુ એફપીઓ કામ કરતા થઈ ગયા છે. આ એફપીઓ પોતાના વિસ્તારના ખેડૂતોની એક કંપની હોય છે જે ખેત ઉત્પન્ન પેદાશોની મૂલ્યવૃદ્ધિ કરે છે. મગફળી ઉગાડતા ખેડૂતોના એફપીઓ પોતે જ તેલના ડબાથી ખારીશિંગ સુધીના ઉત્પાદનો તૈયાર કરીને બજારમાં વેચે છે. નિકાસ પણ કરે છે.
આને કારણે ઉત્પાદક ખેડૂતને જ સીધા પૈસા મળે છે. ભવિષ્યમાં આવા દરેક એફપીઓ પાસે પોતાના હવામાન શાસ્ત્રી હશે. પરંતુ હજુ થોડા ચોમાસાઓ તો કિસાનોએ આકાશમાં જોઈને પસાર કરવા પડશે. એક સપ્તાહ પહેલા કેરળને પાર કરીને હવે ચોમાસુ કર્ણાટકના દક્ષિણ જિલ્લાઓને ઘમરોળી રહ્યું છે. આગામી બે ચાર દિવસમાં આ ચોમાસુ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
દેશના હવામાન ખાતાએ જે બુલેટિન બહાર પાડ્યું એમાં અગાઉ કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના તમામ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે અરબી સમુદ્ર પરથી આવતા પવનો કે જે વરસાદને દક્ષિણથી ઉત્તર તરફ લઈ આવે છે એ દર વર્ષ કરતા સહેજ વહેલા છે. આને કારણે ગુજરાતમાં જૂન આસપાસ ચોમાસાનો માહોલ આકાશમાં દેખાવા લાગશે.
આ વખતે કેસર કેરીની મોસમ આવી ન આવી ત્યાં તો પૂરી થઈ જશે એવું લાગે છે. પ્રચ્છન્ન વાવાઝોડાને કારણે ગુજરાતના સાવ સામાન્ય નાગરિકો સુધી આ વખતે કેરી પહોંચી નથી. કારણ કે એક તો ઓછો પાક અને એમાંય નિકાસ. કેરીના ભાવ ગયા વર્ષ સરેરાશ આ વર્ષે ડબલ રહ્યા છે. એટલે જે બાગાયતી કિસાનોએ આમ્રકુંજની પૂરતી સંભાળ લીધી તેઓને યોગ્ય વળતર મળ્યું છે. આગામી પંદરમી જૂને સમગ્ર ગુજરાત પર ઘટાટોપ વાદળો છવાઈ ગયા હશે.
દર વર્ષની જેમ આ વખતે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસુ વહેલું શરૂ થશે. સમગ્ર દેશ માટે હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ કેરળમાં ચોમાસાનું નિરીક્ષણ કરતા એવું દેખાય છે કે પહેલો વરસાદ દર વર્ષની સરેરાશ કરતાં ઓછો છે. કેરળમાં પ્રારંભિક વરસાદ ઓછો હોવા અંગે હવામાનની ખાનગી સંસ્થા સ્કાયમેટે કહ્યું કે જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે એમ વરસાદ પણ વધતો જશે. એટલે કે જૂન-જુલાઈમાં સમગ્ર ભરપૂર વરસાદ જોવા મળશે.
આપણે ત્યાં સામુહિક ખેતીની વિભાવનાનો અમલ થતો નથી. એને કારણે દરેક ખેડૂતને પાકની પડતર ઘણી ઊંચી આવે છે. દેશના અને ખાસ તો ગુજરાતના કિસાનો જેટલું ધ્યાન રાજકારણમાં આપે છે એનાથી અરધું ધ્યાન પણ જો તેઓ ખેતીવાડીમાં આપે તો એમને દાણેદાણે મોતી જેવો પાક મળે. રાજકારણે બરબાદ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. રાજકીય દીક્ષા લીધા પછી તો ખેડૂતો વહીવટદાર થઈ ગયા છે. તેઓ ખેતી કરતા નથી. જમીનો ભાગમાં વાવવા માટે આપી દે છે. એટલે ખરા અર્થમાં તેઓ જમીન માલિક છે પરંતુ ખેડૂત નથી.