નવી સરકાર સામેના પડકારો તો ઘણા દેખાય છે, ટેકાવાળી સરકાર હવે એને કેમ પહોંચી વળશે..?

નવી સરકાર સામેના પડકારો તો ઘણા દેખાય છે, ટેકાવાળી સરકાર હવે એને કેમ પહોંચી વળશે..?

લોકસભાની ચૂંટણીના પરિણામો પછી સરકાર હવે ટૂંક સમયમાં રચાશે. નવી સરકાર સામેના પડકારો ઓછા નથી. ચૂંટણીના પ્રચારમાં ઘણાં મુદ્દાઓ ચર્ચાયા છે અને રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાઓમાં ઘણાં બધા વાયદાઓ પણ કરાયા છે. આગામી એકાદ અઠવાડિયું તો નવી સરકારની રચના અને શપથવિધિમાં વિતી જશે એમ લાગે છે કારણ કે ઈન્ડિયા ગઠબંધન પાસે પણ એનો પ્લાન છે. અલબત્ત મોદીને હવે વાહવાહીમાં રસ નથી. એમની સરકાર રચાશે કે તુરત એમણે ધડાધડ કેબિનેટ મિટિંગ બોલાવીને કામનો શુભારંભ કરવાનો રહેશે. તો પણ સત્તાના સૂત્રો સંભાળ્યા પછી નવી સરકાર સામે દેશની અનેક સમસ્યાઓ ઊભી જ છે. આ માટે આ નવી મોદી સરકાર ભાગ – ત્રણ સરકારે તૈયાર રહેવું પડશે.
આપણા દેશની જનતાએ ઘણી વખત પ્રવર્તમાન સરકારને બદલવા પરિવર્તનો પણ કર્યા છે અને ઘણી વખત વર્તમાન સરકારને ફરીથી તક પણ આપી છે. આવું કરવા પાછળ જનતાની જે અપેક્ષાઓ હોય છે, તેને આગામી સરકારે ઓળખી લઈને તેને સંતોષવા અગ્રતાક્રમે ઝડપી કદમ ઊઠાવવા પડશે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં અનેક વિવાદો પરાકાષ્ટા ઓળંગીને ઘણાં નિવેદનો થયા. ચૂંટણી પ્રચારની ગરમીમાં વ્યક્તિગત અને અશોભનિય શબ્દપ્રયોગો પણ થયા, હવે પરિણામો આવી ગયા એટલે હવે પછી એ બધું ભૂલી જઈને દેશના ઉત્કર્ષ અને દેશવાસીઓની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા સૌએ સાથે મળીને કામ કરવું પડશે.
નવી સરકાર સામે સૌથી મોટો પડકાર દેશમાં પ્રવર્તી રહેલી બેરોજગારીનો છે. કોલેજો-યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવીને અનેક યુવાનો રોજગારીની શોધમાં ભટકી રહ્યા હોય છે. દેશમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. સ્વાભાવિક રીતે જ તમામ શિક્ષિત યુવાનોને સરકારી નોકરીઓમાં સમાવી શકાય નહીં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવાની બાબતને અગ્રતા આપવી પડશે. તે ઉપરાંત ખાનગી ઉદ્યોગ ક્ષેત્રની નોકરીઓને સુરક્ષિત અને શોષણવિહીન વ્યવસ્થા તંત્ર હેઠળ આવરી લેવી પડશે. દેશમાં વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રાધાન્ય આપીને યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવાની નીતિને વધુ વ્યાપક અને પરિણામલક્ષી બનાવવી પડશે.
દેશમાં મોંઘવારી પર અંકુશ અને છેક નીચલા સ્તર સુધી વ્યાપી ગયેલા ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવાનો પડકાર મોઢું ફાડીને ઊભો છે. નવી સરકારે હવે વધુ પારદર્શક વ્યવસ્થાઓ ઊભી કરીને લોકોના રોજ-બ-રોજના સરકારી કામોમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે વાસ્તવિક પ્રયાસો કરવા પડશે. દેશમાં વિકાસના મોટા મોટા પ્રોજેક્ટોની સાથે સાથે છેક છેવાડાના ગામ સુધી પ્રાથમિક જરૂરિયાતો અને માળખાકીય સુવિધાઓ વધારવી પડશે.
નવી સરકાર સામે બીજો સૌથી મોટો પડકાર અર્થતંત્રને વેગ આપવાનો છે. આંતરરાષ્ટ્રીય પ્રવાહો ભારતને તેનાથી પ્રભાવિત થતાં અટકાવવા મક્કમ કદમ ઊઠાવવા પડશે. ભારતને પેટ્રોલિયમ પેદાશોના ભાવો નિયંત્રણ રાખવાના સંદર્ભે ઘણાં મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષ અને ઈરાન પર લાદવામાં આવેલી અમેરિકન પ્રતિબંધોમાંથી માર્ગ કાઢીને દેશની પેટ્રોલિયમ પેદાશોની જરૃરિયાતો વાજબી દરે મેળવવાની ચેલેન્જ નવી સરકારે ઉપાડવી આંતરરાષ્ટ્રીય તખ્તા પર ઇઝરાયેલના યુદ્ધ સિવાય પણ અનેક સંઘર્ષરત સરહદો સળગે છે. એનો નીતિગત દુષ્પ્રભાવ ભારત પર ન પડે એ જોવું પડશે.
નવી સરકારને કાશ્મીર સમસ્યા અને પડોશી દેશના આતંકવાદ સામે લડત આપવા કોઈ કાયમી અને ચોક્કસ નીતિ ઘડવી પડશે. ભારતીય સેનાની તમામ ખૂટતી જરૂરિયાતો ઝડપભેર પૂરી કરીને તેને અને પાકિસ્તાન સામે વધુ સબળ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવી પડશે. દેશના સંરક્ષણ સોદાઓને વધુ પારદર્શક અને ઝડપી બનાવીને દેશને મજબૂત સુરક્ષાચક્ર પ્રદાન કરવું પડશે. આતંકવાદને ઝેર કરવા માટે આમજનતાની સામેલગીરી માટે ઈઝરાયેલના મોડેલ મુજબ જનજાગૃતિ અને જનશિક્ષણને પણ પ્રાધાન્ય આપવું પડશે.
આપણા દેશમાં ખેડૂતો અને પશુપાલકોની સમસ્યા નિવારવા અને આયોજનપૂર્વકના કદમ તો નવી સરકારે ઊઠાવવાની શરૂઆત કરવાની રહેશે પણ હજુ એ દિશામાં ઘણું જ કામ કરવું પડશે, સાથોસાથ વેપારીઓ, કારીગરો અને સેવા વ્યવસાયકારોથી લઈને શ્રમિકો સુધીના વર્ગોની સામાજિક સુરક્ષા વધારવાના મક્કમ કદમ પણ ઊઠાવવા પડશે. ગરીબોના ઉત્કર્ષની માત્ર વાતો નહીં, પણ ગરીબી નિર્મુલનની દિશામાં ઝડપી અને નિર્ણાયક કરવી પડશે. દેશમાં આરોગ્ય અને તબીબી સેવાઓને સુચારુ બનાવવા આ સેવાઓનું ખાનગીકરણ કરવાના બદલે સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવી પડશે.
શિક્ષણના ક્ષેત્રે વ્યાપી ગયેલી વિષમતાઓ અને અસમાનતાના રોગને નાબૂદ કરવા નવી અને પરિણામલક્ષી નીતિ બનાવવી પડશે. ઔદ્યોગિક ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણની સાથે સાથે સ્વદેશી ઔદ્યોગિક વિકાસને અગ્રીમતા આપવી પડશે. આરોગ્ય અને ખાનગી નોકરીઓના ક્ષેત્રે લોકોની લૂંટ કરતા શોષણકારી પરિબળોને નાથવા પડશે. દેશભરમાં કાનૂન-વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સાધનિક અને નાણાકીય મદદ વધારવી પડશે. મહિલાઓની સુરક્ષા, બાળ વિકાસ, યુવા વિકાસ અને સર્વ ક્ષેત્રિય વિકાસ તથા લોકકલ્યાણને વેગ આપવાની સાથે સાથે જનસંખ્યા નિયંત્રણ અને સર્વક્ષેત્રિય સમતોલ વિકાસની નીતિ પડશે. નવી સરકારે હવે જાગૃત જનતા પ્રત્યે દૂર્લક્ષ સેવવા કે પછી કોઈપણ પ્રકારની હિંસા, ઉન્માદ કે પક્ષપાતી શાસન સામે સાવધ રહેવું પડશે, કારણ કે લોકશાહીમાં જનતા જ સર્વોપરિ હોય છે.