રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની મુલાકાતે

અમરેલી,
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા અને એરપોર્ટ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ સહિતના મહાનુભાવોએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યુ હતુ તથા રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે “દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવનો દિવ્ય અને ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે “દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ અંતર્ગત રાજ્યપાશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતમાં ગૌ આધારિત ’પ્રાકૃતિક કૃષિ’ પરિસંવાદ સંમેલન પણ યોજાયું હતું. ઉપરાંત રાજ્યપાલશ્રીએ ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી અને ગૌ માતાનું પૂજન કર્યુ હતુ. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, સમગ્ર વિશ્વમાં આજે ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે. જળ, જમીન અને વાયુનું પ્રદૂષણ વધી રહ્યું છે તેવા સમયે સમગ્ર દેશમાં ગૌ આધારિત ’પ્રાકૃતિક કૃષિ’ ની આવશ્યકતા છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની આવશ્યકતા છે. ’રસાયણમુક્ત – ઝેરમુક્ત’ ખેતી થકી જ આપણી જમીનને પ્રદૂષિત થતી અટકાવી સ્વસ્થ આહાર મેળવી શકાય તેમ છે, સ્વસ્થ આહાર થાકી આરોગ્યને સુરક્ષિત બનાવી શકાય છે. રાજ્યપાલશ્રીએ સૌ ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આહ્વાન કર્યું હતું.આ સંમેલનમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.સી.કે. ટીંબડીયાએ બગસરા તાલુકાના પાંચ ગામોમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અભિયાન અપનાવવા અંગેની વિગતો જણાવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ, બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે “દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ નિમિત્તે સૌને અભિનંદન પાઠવ્યા હતાશ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે “દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું હારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીનો આજે તા.18મી જાન્યુઆરીએ જન્મ દિવસ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત બગસરાના શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતશ્રીઓએ રાજ્યપાલશ્રીને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા 11 પ્રગતિશીલ ખેડૂતોએ 11 પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશની ભેટ અર્પણ કરી રાજ્યપાલશ્રીના જન્મદિવસ નિમિત્તે રાજ્યપાલશ્રીનુ અભિવાદન કર્યું હતું. બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે “દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ ઉપરાંત ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલન કાર્યક્રમમાં પૂજય સદગુરુ શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, પૂજય સદગુરુ શ્રી વિવેકસ્વરુપદાસજી સ્વામી, પૂજય સદગુરુ શ્રી નિત્યસ્વરુપદાસજી સ્વામી, વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રાકૃતિક કૃષિના ગુજરાત રાજ્યના કન્વીનર મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયા, શ્રી દલસુખભાઈ હિરપરા, ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ દુધાત, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, બગસરા પ્રાંત અધિકારી શ્રી નંદા અને બહોળી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં બગસરા તાલુકાના સુડાવડના સરપંચશ્રી પ્રવિણભાઈ આસોદરિયા, હડાળાના સરપંચશ્રી પુનાભાઈ પાઘડાર, રફાળાના સરપંચશ્રી, પુનાભાઈ વેકરિયા, ડેરી પીપરીયાના સરપંચશ્રી પ્રદીપભાઈ ભાખર અને નવા પીપરીયા ગામના સરરપંચશ્રી પુનાભાઈ સતાણીએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સંકલ્પ લીધો હતો. આ પાંચ ગામના સરપંચશ્રી પ્રાકૃતિક ખેતી કરશે અને ત્યારબાદ પોતાના ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળશે.