ધારી સોલાર પાર્ક સામે માનવ અધિકાર આયોગની કાર્યવાહી

અમરેલી,
ધારીનાં મોણવેલ અને વેકરીયાની સીમમાં ઉભા થયેલા સોલાર પાર્ક સામે પર્યાવરણને નુક્શાન થઇ રહ્યું હોવાની ફરિયાદ સાથે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ગૌપાલક પર્યાવરણ વન્ય અને દરિયાઇ જીવ રક્ષક ટ્રસ્ટ દ્વારા કરાયેલી રજુઆતને પગલે ધારી સોલાર પાર્ક સામે માનવ અધિકાર આયોગની કાર્યવાહી શરૂ થઇ છે અને આજે 9મીએ ગુજરાત રાજ્ય માનવ અધિકારી આયોગ દ્વારા ધારીનાં મોણવેલ ગામે વન્ય જીવને નુક્શાન કારક વીજતારો અને પર્યાવરણનાં મામલે સુનાવણી કરાઇ હતી. જેમાં આયોગ દ્વારા નિયમો વગર કામ થશે તો તેને ચલાવી નહીં લેવાય તેમ જણાવી કંપનીનાં હાજર રહેલ અધિકૃત અધિકારીને તાકિદ કરવામાં આવી હતી અને વન્યજીવોને થતી નુક્શાન અને તેને લગતા તકેદારીનાં પગલાઓ માટે ધારી સોલાર પાર્ક, ધારી અને ગાંધીનગરનાં ફોરેસ્ટ અધિકારીઓ, અમરેલી રેવન્યુનાં અધિકારી અને વેકરીયા તથા મોણવેલ ગ્રામ પંચાયતને આગામી તા.28મીએ ઉપસ્થિત રહેવા આયોગ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ગૌપાલક પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા સોલાર પાર્કનું ઇલેક્ટ્રીક વાયરો અંડર ગ્રાઉન્ડ અથવા ઇન્સ્યુલેટેડ હોવા જોઇએ પણ રજુ થયેલા પુરાવામાં જાહેરનામાનો ભંગ થતો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાતુ હોવાનું આયોગે જણાવી અંડર ગ્રાઉન્ડ કેબલીંગ માટે સુચનાઓ આયોગ દ્વારા આપવામાં આવી હતી. હવે તા.28મીએ અહીં કેટલું કામ સાચુ છે અને કેટલુ ખોટુ છે તેની ખબર પડશે.