સોલાર પંપની ખરીદીમાં રુ. ૪.૭૫ લાખની સબસીડી મળી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર : વેણીવદર ગામના લાભાર્થીશ્રી નટુભાઈ કમાણી

અમરેલી, મારું નામ નટુભાઈ કમાણી છે, હું અમરેલી તાલુકાના વેણીવદરમાં રહું છું. સરકારની યોજના હેઠળ સોલાર પંપની ખરીદી માટે ૯૫ ટકા સબસીડી મળી છે. સોલાર પંપની ખરીદીમાં મને રુ. ૪,૭૫,૦૦૦ની સહાય મળી. સોલાર પંપ લગાવ્યા બાદ મારા પાકને દિવસે પણ પાણી આપી શકું છું. સોલાર માટેનું આ કનેક્શન મળતા મને રાજ્ય સરકાર દ્વારા ૦૫ વર્ષનું મેઈન્ટેનન્સ માટેની પણ સુવિધા આપવામાં આવી છે. મેં જ્યારે આ યોજનામાં ભાગ લીધો ત્યારે ૦૫ હોર્સ પાવરનો પાઇપ આવતો હતો જેની ક્ષમતા હાલમાં વધી છે. ૨૦-૨૫ વીઘા જમીનમાં દિવસે પણ હું આ સોલાર પંપ થકી પાણી આપી શકું છું. આ યોજનાના લાભ થકી મારી ખેતી સરળ બની છે, ખેતી ખર્ચ ઓછો થયો છે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર.

કેન્દ્ર સરકાર દ્વારા  પીએમ-કુસુમ (પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહા અભિયાન) યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપની ખરીદી માટે સબસીડી આપવામાં આવે છે.  દેશભરના ખેડૂતો દ્વારા સૌર ઉર્જાનો વપરાશ વધે અને તેમને એ માટે પ્રોત્સાહન મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના શરુ કરવામાં આવી છે. સોલાર થકી ચાલતા સાધનોનો ઉપયોગ વધે અને ડીઝલ દ્વારા ચાલતા પંપ સહિતના સાધનોનો ઉપયોગ ઓછો થાય, ખેતી ખર્ચ ઘટે અને ખેતી તથા ખેડૂત સમૃદ્ધ થાય તે આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય છે.