સમગ્ર ગુજરાતમાં તા.૧ જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ-૨૦૨૪નું ભવ્ય અને દિવ્ય આયોજન

અમરેલી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં તા.૧ જાન્યુઆરી,૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૭ વાગ્યે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ-૨૦૨૪નું ભવ્ય અને દિવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં ધાર્મિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક સહિતના સૂચિત સ્થળો પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યના અનેક નાગરિકો સહભાગી બનશે. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી, કુંકાવાવ અને વડિયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમરેલી સ્થિત ગોળ દવાખાનાની બાજુમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાશે. સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનકભાઈ તળાવિયા, શ્રી હિરાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તાજેતરમાં તાલુકા અને જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩ યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સૂચિત ૫૧ સ્થળોની યાદી બહાર પાડવામાં આવી છે. અમરેલી સ્થિત સ્પોર્ટ્સ સંકુલ પણ આ સૂચિત યાદીમાં સમાવિષ્ટ છે.  આ તમામ સૂચિત સ્થળો પર રાજ્યના નાગરિકો સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સહભાગી થશે. અમરેલી જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાવા માટે સૌ નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બનીએ.