સરસ્વતી વિદ્યાલય જરખીયા માં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

શ્રી દયાશંકર બાપા સેવા ટ્રસ્ટ – સુરત સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય – જરખીયા, તા. લાઠી ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. સેવા,સંસ્કાર, અને શિક્ષણનુ સિંચન કરતી ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસક્રમો ધરાવતી આ એવી એકમાત્ર ગ્રાન્ટેડ શાળા છે કે જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા સેવાના ભેખધારી શાળાના આચાર્યશ્રી વિજયભાઈ આર. ગુંદણીયાં દ્વારા શાળામાં ઘણી બધી સહ અભ્યાસિક પ્રવૃત્તિ કરી ગ્રામ્ય વિસ્તારમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. નશાબંધી અને આબકારી ખાતું અમરેલી અને શ્રી સરસ્વતી વિદ્યાલયના સંયુક્ત પ્રયાસે બાળકો વ્યસનથી દુર રહે તેમજ વ્યસન મુક્ત સમાજનું નિર્માણ થાય તે માટે સુત્રોચાર, રેલી, અને વકૃત્વ સ્પર્ધાનુ આયોજન કરેલ.આ કાર્યક્રમની શરૂઆત અમરેલીથી પધારેલ નશાબંધી અને આબકારી ખાતું – અમરેલીથી શ્રી સોલંકી સાહેબ તથા શ્રી કલસરીયા સાહેબની ઉપસ્તિથીમાં આચાર્ય દ્વારા શબ્દપુષ્પથી સ્વાગત કર્યા બાદ પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ. “મારા સુંદર શરીરમાં વિશ્વને ચલાવનાર શક્તિ ખુદ ઈશ્વર બેઠો છે” – જ્યાં સુધી એ સમજણ પાકી ન થાય ત્યાં સુધી મનથી ભાંગેલા મનુષ્ય માટે વ્યસન મુક્તિ અશક્ય છે. ‘ભારત જાગો અને વ્યસન ને ભગાવો ‘ – એ વિષય પર વકૃત્વ, ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણ આવેલા વિદ્યાર્થીઓને શાળા વતી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. ઇનામ વિતરણ કાર્યક્રમ બાદ સમુહમાં વ્યસન મુક્તિ અંગે સમુહમાં પ્રતિજ્ઞા બોલીને આભારવિધિ કરવામાં આવી એવું શ્રી સરસ્વતી વિદ્યાલય – જરખીયાના આચાર્યશ્રી વી.આર. ગુંદણીયાંની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.