અમરેલીમાં એનસીટી (ગોળ હોસ્પિટલ)ની મોટી સિધ્ધિ : 75 વર્ષના દર્દીની ખરાબ કીડની સફળતાથી કાઢવામાં આવી

અમરેલી,(ફીલ્ડ રિર્પોટર)
અમરેલીમાં નેત્ર ચિકીત્સા ટ્રસ્ટ સંચાલિત એનસીટી (ગોળ હોસ્પિટલ)એ મોટી સિધ્ધિ મેળવી છે અહી તા.7મીના રોજ 75 વર્ષના દર્દીની ખરાબ કીડની સફળતાથી કાઢવામાં આવી હતી અને આજે સાજા નરવા થયેલા આ દર્દીને રજા આપવામાં આવી હતી.
ધારીના સરસીયા ગામના 75 વર્ષના શંભુભાઇ ભાદાભાઇ દેગામા નામના દર્દીને કીડનીની તકલીફ સાથે નેત્ર ચિકીત્સા ટ્રસ્ટ સંચાલિત એનસીટી (ગોળ હોસ્પિટલ)માં ખસેડાયા હતા. હોસ્પિટલના યુરોલોજીસ્ટ ડૉ. નિત ચોટાઇએ તેમનું નિદાન કરતા તેમની ડાબી કીડનીમાં નાની નહી પણ આખી કીડની જેવડી સાઇઝની પથરી હતી જેને કારણે આ કીડની ફેઇલ થઇ અને જીવલેણ સાબીત થાય તેમ હતી આથી તેમની આ કીડની કાઢી નાખવી પડે તેવી સ્થિતિ હતી અને આ ઓપરેશન અમરેલીમાં કયારેેય થયું નથી જેથી ડૉ. નિત ચોટાઇએ આ જોખમી ઓપરેશન કરવા નિર્ણય કર્યો હતો.આ દર્દી એ અનેક જગ્યાએ સારવાર કરાવી હતી અને છેલ્લા આઠ વર્ષથી આ દર્દ સહન કરતા હતા પણ ઓપરેશનમાં તેની એક ખરાબ ફેઇલ થઇ ગયેલ કીડની કાઢી તેના તમામ ફંકશનોને બીજી કીડની સાથે જોડવા સહિતની જટીલ સર્જરી કરવી પડે તેમ હતી તા. 7મી જાન્યુઆરીએ અમરેલીના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત યુરોલોજીસ્ટ ડૉ. નિત ચોટાઇ અને તેમની ટીમ દ્વારા જોખમી એવી નેફ્રેકટોમી (ખરાબ કીડની કાઢવી) કરાઇ હતી અને તા. 10મીએ આ દર્દી શંભુભાઇએ ચાલતા ચાલતા રજા લીધી હતી.આ ઉપરાંત લુણીધાર ગામના કાંતિલાલ રાઘવદાસ ગોંડલીયા નામના દર્દી છેને અંદાજીત 45 એમએમની સાઇઝના પ્રોસ્ટેટમાં 25 એમએમની સાઇઝની પથરી હોય લેપ્રોસ્કોપી થાય તેમ ન હોય સર્વપ્રથમ તેની ઓપન સર્જરી સફળતાથી કરાઇ હતી આ અંગે દર્દી કાંતિલાલએ જણાવેલ કે, મારૂ ઓપરેશન ગોળ હોસ્પિટલ અમરેલીમાં ડો. નીત ચોટાઇ (યુરોલોજી) એ કરેલ છે. આ ઓપરેશન તદન મફતમાં થયેલ છે. અને ઓપરેશનમાં પ્રોસ્ટેટ તથા પથરી મોટી સાઇઝની પથરીનું ઓપરેશન કરેલ છે.અત્યારે મારી તબીયત સફળ સારી છે અને હું હાલી ચાલી શકુ છુ.આમ અમરેલીના ઇતિહાસમાં પહેલી વખત જ આ પ્રકારની નેફ્રેકટોમી અને ઓપન પ્રોસ્ટેકટેમી કરાઇ હતી અને તે પણ સાવ વિનામુલ્યે કરાતા બમણી સિધ્ધી બદલ એનસીટીના તબીબ ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહયો છે.