મુંજીયાસર પાસે રોજડુ અને સિંહણ ઇનોવા સાથે અથડાયા : ઇનોવાનો ભુક્કો : સિંહણને ઇજા

બગસરા,
બગસરામાં આજે યોજાઇ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી પરત જુનાગઢ જતા જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી ડી.કે.સ્વામિની ઇનોવાને વિચિત્ર અકસ્માત નડયો હતો જેમાં રોજડાનો શિકાર કરતી સિંહણ અને રોજડુ બંને ઇનોવા સાથે અથડાતા ઇનોવાનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતની વિગતોની પ્રાથમિક રીતે મળતી માહિતી અનુસાર સાંજના સમયે નાના અને મોટા મુંજીયાસર વચ્ચે એક સિંહણ રોજડાનો શિકાર કરી હતી ત્યારે રોજડુ જીવ બચાવવા માટે રોડ ઉપર આવ્યુ હતુ અને ત્યાંથી પસાર થતી જુનાગઢ સ્વામિ નારાયણ મંદિરના સંત શ્રી ડી.કે. સ્વામિની ઇનોવા સાથે આગળના ભાગે અથડાતા ઇનોવાનું એન્જિન ફાટી ગયુ હતું અને રોજડા પાછળ દોડતી સિંહણ ઇનોવાના પાછળના ભાગ સાથે અથડાઇ હતી તેના બંને પગમાં ગંભીર ઇજા થઇ હતી જ્યારે રોજડુ નાસી ગયુ હતુ. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સિંહણ ત્યાં જ હોય વન વિભાગ અને પોલીસ તંત્ર ત્યાં દોડી ગયુ હતુ અને સિંહણને બેભાન કરી તેમનું રેસ્ક્યુ કરાયુ હતુ તેને સારવાર માટે ધારી ખસેડવામાં આવી છે જ્યારે ઇનોવામાં રહેલ સંત અને સર્વે હેમખેમ રહયા હતા.