જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં ઉજવાયો ત્રિવિધ કાર્યક્રમ

જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરી એટલે યુવાનોના આદર્શ અને યુવાનો માટે પ્રેરણા દાયક ટુંકું શારીરિક પરંતુ લાંબુ વૈચારિક આયુષ્ય ધરાવતા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ તથા યુવા દિવસ અને ઉતરાયણ પર્વ એમ ત્રિવિધ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બૌદ્ધિક સત્ર અને મેદાનની પ્રવૃત્તિ એમ બે વિભાગમાં ઉજવાયો હતો. જે અંતર્ગત બૌદ્ધિક સત્રની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદજી વિશે રસપ્રદ વાતો ચૌહાણ ગીતાબેન મનસુખભાઈ (ધોરણ-૮) દ્વારા તથા ઉતરાયણ પર્વ વિશે વાતો ભાલીયા હાર્દિકભાઈ ભરતભાઈ (ધોરણ-૮) તથા ગુજરીયા કિંજલબેન ભોળાભાઈ (ધોરણ- ૭) દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 3 થી 5 ના બાળકો દ્વારા ઉતરાયણ પર્વને અનુરૂપ અભિનય ગીતો રજૂ કર્યા હતા જ્યારે ધોરણ 6 થી 8 ના ભાઈઓ દ્વારા નીડરતા, એકાગ્રતા, ઈશ્વર ઉપરની શ્રદ્ધા તથા ગુરુ પ્રત્યેના આદરભાવ દર્શાવતા ટૂંકા નાટકો રજૂ થયા હતા. જેમણે બાળકોને નવી ઊર્જા આપી હતી. આ કાર્યક્રમમાં સંગીતવૃંદ દ્વારા રજૂ થયેલા પર્વને અનુરૂપ ગીતો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમમાં પ્રેરક ઉદબોધન શાળાના આચાર્યશ્રી કિશનભાઇ ડોડિયાએ આપ્યું હતું તથા આભારવિધિ શિક્ષકશ્રી મુકેશભાઇ પ્રજાપતિએ કરી હતી. આ ઊપરાંત ઉતરાયણ પર્વની ખરી ઉજવણી સાર્થક કરવા માટે શાળામાં પતંગોત્સવનું આયોજન તથા શાળામાં બાળાઓ દ્વારા જ જાતે જ બનાવેલા મમરાના લાડુ ખાધા હતા. આવી અવનવી વાનગીઓ, વાતો, અભિનયો, નાટકો અને પતંગોત્સવ થકી શાળા પરિચય અને ગામમાં આનંદનું વાતાવરણ ઉભુ થયું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના શિક્ષકાશ્રી કૈલાસબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.