અમરેલીમાંથી કોણ કોને લડાવશે લોકસભાનો જંગ ?

અમરેલી,
અયોધ્યામાં અને દેશમાં મોટા ઉત્સવ પછી હવે સંભવિત માર્ચ એન્ડથી એપ્રિલ સુધીમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં કોણ લડશે તેના નામોની લોકોમાં ચર્ચા શરૂ થઇ છે.અમરેલીમાંથી કોણ કોને લડાવશે લોકસભાનો જંગ ? તેવી લોકોની ચર્ચામાં ભાજપમાં કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા, વર્તમાન સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, શ્રી મુકેશ સંઘાણી અને આજે જો ભાજપમાં આવે તો જેમના કુળ અને મુળ ભાજપ છે તેવા પુર્વ ધારાસભ્ય શ્રી અંબરીષ ડેર, નાયબ મુખ્ય દંડક અને ભાજપના તેજીલા તોખાર એવા શ્રી કૌશિક વેકરિયા અને ટુંકા સમયમાં જિલ્લામાં છવાઇ જનારા ધારાસભ્ય અને ભાજપના કસાયેલા પ્રદેશ અગ્રણી શ્રી મહેશ કસવાળાના નામોની ચર્ચાઓ રાજકારણના રસિયાઓ,ઓટલા પરિષદના પારંગતોમાં ચાલી રહી છે.જયારે સામે પક્ષે કોંગ્રેસમાંથી પુર્વ સાંસદ શ્રી વિરજીભાઇ ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને લડાયક આગેવાન શ્રી પ્રતાપ દુધાત, જેમના રેફરન્સની કીમત છે તેવા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પુર્વ વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણી તથા કોંગ્રેસની આવતીકાલના લડાયક યુવાનેતા શ્રી જેનીબેન ઠુમ્મરના નામોની પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે.