ધારીનો આંબરડી સફારી પાર્ક એશિયાનો સૌથી મોટો પાર્ક બન્યો

અમરેલી ,
અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ હવે પ્રવાસન ક્ષેત્રે પણ મોટી ક્રાંતિ આવી રહી છે. કારણ કે એશિયાટીક સિંહનું ઘર ગણાતા ગાંડીગીરને અડીને આવેલા ધારી તાલુકામાં એશિયાનો સૌથી મોટો આંબરડી સફારી પાર્ક કાર્યરત થઇ જશે. સિંહ દર્શન માટે સાસણ જતાં પ્રવાસીઓનો પ્રવાસ હવે અમરેલી જિલ્લાના ધારીના આંબરડી સફારી પાર્ક તરફ વળી રહ્યો છે. અમરેલીથી માત્ર 40 કિ.મી. દુર આવેલા અને 10 હજાર એકર જમીનમાં ફેલાયેલા આ સફારી પાર્કમાં મોટા ભાગે સિંહ દર્શનની ગેરંટી હોય છે. તાજેતરમાં ગુજરાતના પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિક વેકરીયા અને શ્રી કાછડીયા અને ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાના હસ્તે સફારી પાર્કના નવા બાંધકામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિંહ દર્શન કરવા આવતા દેશવિદેશના પ્રવાસીઓ માટે સારી સુવિધા વાળો અમરેલીનો અવધ હેરિટેજ રિસોર્ટ અને ધારીના લિયોનીઆ રિસોર્ટ તેમજ લેકવ્યુ રિસોર્ટ હોટ ફેવરિટ બન્યા છે. આ આંબરડી સફારી પાર્કની બાજુમાં આવેલો ખોડિયાર ડેમ અને સૌરાષ્ટ્રના લોકોનું આસ્થાનું કેન્દ્ર એવા ચારણ માવડી શ્રી ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેવું આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા જણાવી રહ્યા છે. ધારીનો આ આંબરડી સફારી પાર્ક ભૌગોલિક દ્રષ્ટિએ ખુબજ સારો હોવા છતાં રાજય સરકાર દ્વારા તેની પબ્લિસિટી કરવા કચાસ રાખવામાં આવી તે વાત ધ્યાન વગર રહેતી નથી કારણ કે આવડા મોટા સફારી પાર્કનું ફોટોગ્રાફવાળુ કે સફારી પાર્કની વિગતો દર્શાવતુ કોઇ મટીરીયલ કયાંય જોવા મળતુ નથી. સરકારશ્રીના પ્રવાસન વિભાગની જેમ જ માહિતી ખાતા નામનો પણ એક વિભાગ છે જે વનતંત્રને તેના સફારી પાર્કની પબ્લિસિટીમાં ગુજરાત સરકારના માહિતી ખાતાની સેવા પણ લઇ શકાય છે. તો આ સફારી પાર્કની પબ્લિસીટી વખતે પણ પ્રવાસન કે વનતંત્રએ ધ્યાન આપવું જરૂરી છે.