અમરેલી,
ગુજરાતમાં બનાસકાંઠાને બાદ કરતા તમામ બેઠકો ભાજપે મેળવી છે અને તેમાંય સૌરાષ્ટ્રમાં તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે. ગુજરાતનાં મોટા ગજાનાં નેતા અને ભાજપનાં પાયાનાં આગેવાન અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલાનો રાજકોટમાં દબદબાભર્યો વિજય થતા જિલ્લાના પનોતાપુત્ર શ્રી રૂપાલાનાં ભવ્ય વિજયથી અમરેલી જિલ્લામાં સર્વત્ર આનંદ છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2002 પછી પહેલી વાર શ્રી પરશોતમ રૂપાલા ચૂંટણી લડયા હતા અને 22 વર્ષ બાદ એજ જુના પ્રતિસ્પર્ધીને પરાજીત કરી જીત મેળવી હતી 2002 માં વિધાનસભાની ચૂંટણીમાં શ્રી પરશોતમ રૂપાલા અને શ્રી પરેશ ધાનાણી વચ્ચે લડાયેલ જંગમાં શ્રી રૂપાલાનો પરાજય થયો હતો અને ત્યાર બાદ શ્રી રૂપાલા એકપણ વખત ચૂંટણી લડયા ન હતા આ વખતે અમરેલીના પાડોશી એવા રાજકોટમાં શ્રી પરશોતમ રૂપાલાની વિનમ્રતા અને ખુલ્લી વાત સૌને પ્રભાવિત કરી ગઇ હતી અને તોતીંગ લીડથી શ્રી રૂપાલાનો વિજય થતા તેમને કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણીએ શુભકામનાઓ પાઠવી હતી. સૌરાષ્ટ્રની તમામ 7 બેઠક ફરી એક વાર ભાજપે કબજે કરી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.જામનગર અને સુરેન્દ્રનગર બેઠક પર કસોકસ નો જંગ રહ્યો હતો. પોરબંદર, ભાવનગર, અને જૂનાગઢ બેઠક પર કેસરિયો ફરી લહેરાયો છે. લોકસભા ઉપરાંત પોરબંદર અને માણાવદર વિધાનસભાની બેઠક ઉપર પણ ભાજપે જંગી લીડથી વિજય મેળવ્યો છે. કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં વધુ એક વખત નબળી પડી છે.