અમરેલી જિલ્લામાં ઇ-શ્રમિકોના રેશનકાર્ડ બનાવવા ઝુંબેશ

અમરેલી,
અમરેલીેના કલેકટરશ્રી અજય દહિયાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પુજા જોટાણીયાની ટીમ દ્વારા હાથ ધરાયેલ સઘન પ્રયાસોથી અમરેલી જિલ્લામાં ઇ-શ્રમિકોના રેશનકાર્ડ બનાવવાની ઝુંબેશ શરૂ થઇ છે.
જેના નામે ઇ-શ્રમ કાર્ડ હોય અને રેશનકાર્ડ ન હોય તેવા 28852 કાર્ડધારકોને શોધી તેમને રેશનકાર્ડ અપાવી સરકાર દ્વારા અનાજ મળતુ થાય તેવું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે હાલમાં અમરેલી જિલ્લામાં 60 હજાર જેટલા ઇ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો છે દરેકને અનાજની સરકારી યોજનામાં મળતા લાભો મળે તેના માટે અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો થઇ રહયા છે. જિલા પુરવઠા અધિકારી શ્રી પુજા જોટાણીયાએ અવધ ટાઇમ્સને માહીતી આપતા જણાવેલ કે, જેમના નામે ઇ -શ્રમ કાર્ડ છે તેવા 28852 જેટલા કાર્ડધારકોના નામ રેશન કાર્ડમાં જ નથી જેથી તેમને રેશન કાર્ડ આપી તેના માધ્યમથી સરકારી અનાજની સહાય સહિતની યોજનાઓનો લાભ મળે તેના માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ છે આવા ઇ-શ્રમકાર્ડ ધારકકોને આઇડેન્ટીફાઇ કરવા માટે તેમને ફોન કરી સંપર્ક કરવામાં આવી રહયો છે પણ જે ઇ-શ્રમકાર્ડ ધારક રેશનકાર્ડ ન ધરાવતા હોય અને રેશનકાર્ડ હોય અને અનાજ ન મેળવતા હોય આવી પાત્રતા ધરાવનારે પોતાના તાલુકાની મામતદાર કચેરીનો સંપર્ક સાધવો જોઇએ અને મામલતદાર કચેરીઓ પણ આ કાર્ય માટે આવા કાર્ડધારકકોનો ટેલીફોનીક સંપર્ક કરી રહી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલમાં જિલ્લા વહીવટી તંત્ર પોતાની રીતે મહેનત કરી રહયું છે ત્યારે દરેક ગામના સરપંચે અને ગામના રાજકીય કાર્યકરોએ પણ પોત પોતાના ગામના આવા લોકોને શોધી તેને સરકારની યોજનાનો લાભ મળે તેવો પ્રયાસ કરવો જોઇએ.