એસએસસી અને એચએસસી પરીક્ષા આયોજન માટે બેઠક બોલાવતા કલેકટર

અમરેલી ,
માર્ચ-2024 દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર એસએસસી અને એચએસસી પરીક્ષા માટે જરુરી વ્યવસ્થાના આયોજન માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને પરીક્ષા કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ મળી રહે તે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ. બી. ગોહિલે વિગતો આપતા જણાવ્યુ કે, તા.11 થી તા.26 માર્ચ-2024 દરમિયાન પરીક્ષા યોજાશે. એસએસસી (તા.11 થી તા.22 માર્ચ-2024 સવાર 10.30 થી 1.45 વાગ્યા સુધી) અને એચએસસી સામાન્ય પ્રવાહ (તા.11 થી તા.26 માર્ચ-2024 બપોરે 3 થી સાંજે 6.15 વાગ્યા સુધી) અને એચએસસી વિજ્ઞાન પ્રવાહ (તા.11 થી તા.22 માર્ચ-2024 બપોરે 3 થી સાંજે 6.30 વાગ્યા સુધી) પરીક્ષા યોજાશે. જિલ્લાના 27 કેન્દ્રોમાં સમાવિષ્ટ 76 બિલ્ડીંગમાં 680 બ્લોકમાં 19,358 વિદ્યાર્થીઓ ધો.10-એસએસસી, 15 સમાવિષ્ટ કેન્દ્રોમાં સમાવિષ્ટ 41 બિલ્ડીંગમાં 373 બ્લોકમાં 11,465 વિદ્યાર્થીઓ ધો.12 (સામાન્ય પ્રવાહ)ની તેમજ 4 કેન્દ્રોમાં સમાવિષ્ટ 11 બિલ્ડીંગમાં 113 બ્લોકમાં 1,968 વિદ્યાર્થીઓ ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા આપશે.